મોરબી જિલ્લામાં પેટકોક કૌભાંડના મુખ્ય આરોપીની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
.
ગત ડિસેમ્બરમાં મોરબીના ગાળા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી. આ દરમિયાન પેટકોક ચોરી અને છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી 3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી ભગીરથભાઈ ચંદુલાલ હુંબલ યુગાન્ડા ભાગી ગયો હતો.
આ કેસમાં કુલ 20 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી ભગીરથભાઈ હુંબલ યુગાન્ડા ભાગી ગયો હતો. તેના ભારતીય પાસપોર્ટ નંબર U2327123ના આધારે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું.
14 એપ્રિલના રોજ આરોપી યુગાન્ડાથી UAE થઈને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તેની તરત જ ધરપકડ કરી હતી. તેની પાસેથી 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.