પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 58,000નો દંડ ફટકાર્યો છે.
.
ઘટના 23 ઓગસ્ટ 2022ના રોજ સાંજે સવા આઠ વાગ્યે બની હતી. આરોપી ખીમા લઘુભાઇ ગોઢાણીયાએ પીડિતાને પોરબંદરમાં હાથી ટાંકી પાસે આવેલા માન સરોવર ગેસ્ટ હાઉસના રૂમ નંબર-202માં લઈ ગયો હતો. પીડિતા સગીર વયની અને અનુસૂચિત જાતિની હોવાની જાણ હોવા છતાં, તેણીની ના હોવા છતાં આરોપીએ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.
પીડિતાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(2)(જે), 377 તથા પોક્સો એક્ટની કલમ 4,6,8 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5), 3(1)(w) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન, પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી. જેઠવાએ 43 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો. આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે બાળકો સાથેના ગુના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.