એબીવીપીના કાર્યકરો દ્વારા મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયુ ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે મૃતક વિદ્યાર્થીના રેગિંગમાં જવાબદાર સિનિયર્સ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશ
.
ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે. ડૉ.જયેશ પંચાલે જણાવ્યું હતું કે, શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય છે.
આ ઘટના બાદ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે. જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવીને રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.
ધર્મેન્દ્રભાઈ મેથાણિયા, વિદ્યાર્થીના સગા
રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે.
સામે આવેલી ચેટ.
ડોક નીચે રખાવી ત્રણ કલાક ઉભા રાખ્યા: વિદ્યાર્થી આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે અમને રુમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પુછ્યું હતું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા હતા. એ બાદ એક અન્ય સિનિયર આવ્યા હતા, જેમણે અમને ત્રણ કલાક જેટલા ઉભા રાખ્યા હતા અને ઘણા સવાલો પુછ્યા હતા. આ દરમિયાન અમને ડોક નીચે રાખીને ઉભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધુ પુછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા.
એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો: વિદ્યાર્થીના સગા આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણિયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે.
હાર્દિક શાહ, ધારપુર મેડિકલ કોલેજના ડીન
જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે: કોલેજના ડીન બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થી સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી હતી. જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે.
યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
પી.એમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે: પીઆઇ આ અંગે બાલીસણા પીઆઇ જે સોલંકી એ જણાવ્યું હતું કે, યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
વિદ્યાર્થીનાં સગાં
બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે: DySp DySp કે.કે.પંડ્યા એ જણાવ્યું હતું કે, બાલીસણા ખાતે આજ રોજ નટવરભાઈ રાઘવજી પટેલ આવીને જાહેરાત કરી કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમ બીબીએસમાં અભ્યાસ કરતો હતો તેનું ધારપુર બોયઝ હોસ્ટેલમાં રાત્રી દરમ્યાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની બાલીસના પોલીસ સ્ટેશન ખાતે વિગત વાર જાહેરાત કરતા બી એન એસની કલમ 194 મુજબ અકસ્માતે મોત દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ મરણ જનાર વિદ્યાર્થીનું વીડિયો ગ્રાફીથી તેમજ પેનલ ડોકટરથી પીએમ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે અને ધારપુર હોસ્પિટલના સાતાવાળા પાસે વિગત વાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રેગીંગના આક્ષેપ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અહેવાલ માંગ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ જેમાં કાઈ ગુના હિત કૃત્ય થયેલું જણાશે તો ગુનાહિત કૃત્યની જે કોઈ કલમ હશે એ પ્રમાણે કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
6 મહિના પહેલાં AMCની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં થયું હતું રેગિંગ 24 મે, 2024ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમને સાત દિવસ સુધી જમવાનું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવતા એવી કનડગત કરવામાં આવતી હતી. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ બે મહિલા અને બે પુરુષ ડોક્ટર સહિત ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ
છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં બનેલી રેગિંગની ઘટનાઓ
- ડિસેમ્બર 2021 – જામનગરની સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ
- ફેબ્રુઆરી 2022 – અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ રેગિંગ
- માર્ચ 2022 – સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નિવાસી તબીબો દ્વારા રેગિંગ
- માર્ચ 2022 – આણંદની કામધેનું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું રેગિંગ
- એપ્રિલ 2022 – વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ
- એપ્રિલ 2022 – GLS કોલેજમાં વિદ્યાર્થિની સાથે થયેલા રેગિંગ
- ઓક્ટોબર 2022 – મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રેગિંગ
- ડિસેમ્બર 2022 – GLS યુનિ.માં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ
- ડિસેમ્બર 2022- બી. જે. મેડિકલ કોલેજમાં 7 જુનિયર ડોક્ટરનું સિનિયર્સ દ્વારા રેગિંગ
- 2019 – બી.જે.મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ
રેગિંગ કરનારાને બે વર્ષની જેલ, 10 હજારનો સુધીનો દંડ
- વર્ગો અને શૈક્ષણિક વિશેષાધિકારોમાં હાજરી આપવાનું સસ્પેન્શન.
- શિષ્યવૃત્તિ-ફેલોશિપ અને અન્ય લાભો રોકવા.
- કોઈપણ કસોટી-પરીક્ષા અથવા અન્ય મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પર પ્રતિબંધ.
- પરિણામો પર રોક અથવા પરિણામો રોકવાં.
- કોઈપણ પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મીટ, ટુર્નામેન્ટ, યુવા ઉત્સવ વગેરેમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા પર પ્રતિબંધ.
- એડમિશન રદ કરવું અથવા 1થી 4 સેમેસ્ટર માટે રસ્ટિકેશન.
- હોસ્ટેલમાંથી સસ્પેન્શન, હાંકી કાઢવા.
- સંસ્થામાંથી હાંકી કાઢવા, ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈપણ સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ.
- પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રેગિંગ કરનાર, ભાગ લેનાર, પ્રોત્સાહન આપનારા વિદ્યાર્થીને બે વર્ષની મુદત માટે જેલની સજા કરાશે. 10 હજાર સુધીનો દંડ કરાશે.
- શૈક્ષણિક સંસ્થામાંથી બરતરફ કરાશે. બરતરફીના આદેશની તારીખથી પાંચ વર્ષ સુધી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહીં અપાય.
- યુનિવર્સિટી પર પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે.