વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. DGPના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત વલસાડના SP ડૉ. કરણરાજ વાઘેલાના આદેશથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
.
DySP એ.કે. વર્મા અને સિટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં ધોબીતળાવ અને મોગરાવાડી સહિત 7 સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરાયું. આ ઓપરેશનમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 PSI, 50 પોલીસ જવાનો, 50 હોમગાર્ડ તેમજ TRB અને GRDના જવાનો સામેલ થયા હતા.
પોલીસે મિલકત સંબંધી ગુના, NDPS કેસના આરોપીઓ, લિસ્ટેડ બુટલેગર્સ અને હિસ્ટ્રી શીટરોની ઝીણવટભરી તપાસ કરી. ચાલીઓ, ભંગારના ગોડાઉન અને વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં ધોબીતળાવ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.
સ્થાનિક બાતમીદારો મારફતે અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોની પ્રવૃત્તિઓની માહિતી એકત્રિત કરવામાં આવી છે. પોલીસનું આ ઓપરેશન નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને થતી કનડગત અંગે પણ માહિતી મેળવવામાં આવી છે અને આવા તત્વો સામે કડક પગલાં લેવાની પોલીસે તૈયારી દર્શાવી છે.