ગઢડા પોલીસે વીજ ટ્રાન્સ્ફૉર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. બોટાદના રોહિશાળા ગામના બે શખસેની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ગઢડા, બોટાદ અને લાઠી વિસ્તારમાંથી કુલ 28 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી.
.
ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા શીયાનગર, લાખણકા, અડતાળા, ગુંદાળા, ગોરડકા, નાના જીંજાવદર સહિત નવ ગામમાંથી 19 ટ્રાન્સફોર્મરની ચોરી થઈ હતી. આરોપીઓએ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલ્સ કાઢી લીધા હતા અને ઓઇલ ઢોળી નાખ્યું હતું. ચોરી કરેલા મુદ્દામાલની કિંમત રૂ. 1.59 લાખ આંકવામાં આવી છે.
બે દિવસ પહેલા PGVCLના ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ પરમારે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરેક ટ્રાન્સફોર્મરમાંથી લગભગ 10.5 કિલોગ્રામ કોપર કોઇલની ચોરી થઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને છોટા હાથી ટેમ્પો સાથે ઝડપી લીધા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંને શખસે ચાલું વિજપ્રવાહમાં વીજ ટ્રાન્સ્ફૉર્મરને વાસના લાકડામાં ધાર્યું ફિટ કરેલા સાધનથી અને પકડ તેમજ પાનાથી વીજ ટ્રાન્સ્ફૉર્મર તોડીને, ખોલીને અંદરથી કોપર, કોયલની ચોરી કરતા હોવાનું બંને શખસે પોલીસ તપાસમાં કબુલ કર્યું હતું.