સુત્રાપાડાના મોરાસા ગામમાં માનવભક્ષી દીપડીને બે બચ્ચા સાથે વન વિભાગે પાંજરે પૂરી છે. આ દીપડીએ ગઈકાલે 3 વર્ષની બાળકીને ઘરના ફળિયામાંથી ઉઠાવીને શિકાર કર્યો હતો.
.
વેરાવળ રેન્જ ના આર.એફ.ઓ કે.ડી. પંપાણીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, વન વિભાગે દીપડીને પકડવા માટે વિસ્તારમાં પાંચ જેટલા પિંજરા ગોઠવ્યા હતા. આજે વહેલી સવારે પાંચેક વાગ્યે આદમખોર દીપડી તેના બે બચ્ચા સાથે પાંજરામાં પકડાઈ ગઈ હતી. વન વિભાગે મૃતક બાળકીના પરિવારને બોલાવીને દીપડીની ઓળખ કરાવી હતી.
છેલ્લા 36 કલાક થી વન વિભાગ ની રેસ્કયુ ટીમ આર.એફ.ઓ. કે.ડી.પંપાણીયાના માર્ગદર્શન માં સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટર નારણભાઈ પંપાણીયા, વેટરનરી ડોકટર વી.વી.અપરનાથી તેમજ વનરક્ષકો અને ટ્રેકર્સની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ એક દીપડી પાંજરે પુરાઈ હતી. આમ વન વિભાગે છેલ્લા 24 કલાકમાં કુલ ચાર દીપડાને પકડવામાં સફળતા મેળવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ વિસ્તારમાં હજુ પણ દીપડાઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.