વલસાડમાં એક યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે વલસાડ સીટી પોલીસે ભાવનગરથી આરોપીને ઝડપી લીધો છે.
.
યુવતી વર્ષ 2023થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતાની ઓળખ ભગીરથસિંહ ઇન્દુભા ગોહીલ તરીકે આપી હતી. તેણે પોતે ગાંધીનગરમાં PSIની તાલીમ લઈ રહ્યો છે અને રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો છે તેવું જણાવ્યું હતું.
આરોપીએ તલાટી કમ મંત્રીની ભરતીમાં 1 લાખ રૂપિયામાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. યુવતીએ 19 ફેબ્રુઆરીથી 14 ઓગસ્ટ 2023 દરમિયાન ગૂગલ પે દ્વારા કુલ 2,55,600 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 7 મે 2023ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં યુવતીનું નામ ન આવતા તેણે આરોપીને પૂછપરછ કરી હતી. આરોપીએ ચિંતા ન કરવાનું કહી વધુ પૈસાની માગણી કરી હતી. યુવતીએ PSI ટ્રેનિંગના પુરાવા માગ્યા ત્યારે આરોપીએ ફોન વાપરી ન શકવાનું બહાનું આપ્યું હતું.

છેવટે આરોપીએ માત્ર 45,153 રૂપિયા પરત કર્યા અને બાકીના 2,10,447 રૂપિયા આપ્યા નહીં. જેથી યુવતીની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે આરોપીને ભાવનગરથી પકડી લીધો છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.