Meters Mandatory In Rickshaws : અમદાવાદના રિક્ષાચાલકોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ડિસેમ્બર મહિના સુધીમાં તમામ રિક્ષાચાલક-માલિકને મીટર લગાડવા માટે અપીલ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શું કહ્યું?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું કે, ‘રિક્ષાચાલક પેસેન્જરો પાસેથી પૈસા વધુ લેતા હોવાની ફરિયાદો મળી હતી. 1 જાન્યુઆરીથી હવે કોઈ રિક્ષાચાલક રિક્ષામાં મીટર લગાડેલું નહી જણાય પોલીસ ફાઈન કરશે અને બીજા ફાઈન પછી પરમીટ ભંગનો કેસ થશે અને રિક્ષા ડિટેઈન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર મહિનામાં હું તમામ રિક્ષાચાલક-માલિકોને અપીલ કરું છું કે, મીટર લગાડો. જ્યારે દર વર્ષે ઓટો રિક્ષાનું RTOમાં રિન્યુઅલ થાય છે, ત્યારે રિક્ષામાં મીટર લગાવામાં આવે છે. પરંતુ રિક્ષા ચાલકો મીટર લગાવતા નથી ને ઘરે મુકી રાખે છે.’
આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં
લોકોની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલા રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. જાન્યુઆરીની પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે.