દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી…
.
સદસ્યતા અભિયાનમાં અમદાવાદમાં એકેય વિધાનસભા ટોપ ટેનમાં નહીં ભાજપના સદસ્યતા અભિયાનમાં રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની એક પણ વિધાનસભા ટોપ ટેનમાં નંબર મેળવી શકી નથી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટોપ ટેન વિધાનસભાના કાર્યકર્તાઓને અભિનંદન આપતી પોસ્ટ મૂકી છે, જેમાં અમદાવાદની એક પણ વિધાનસભા નથી. સદસ્યતા અભિયાન અંતર્ગત લોકોને ભાજપના કાર્યકર્તા બનાવવા માટેની રેસમાં સૌરાષ્ટ્રના મોટા અને નાના શહેરો આગળ છે, પરંતુ મુખ્યમંત્રીથી લઇ મંત્રીઓની વિધાનસભામાં સભ્યો બનાવી શક્યા નથી. ભાજપના નેતાઓમાં ચર્ચા ચાલી છે કે, હવે સદસ્યતા અભિયાનમાં લોકો પોતાનો મોબાઈલ નંબર આપવાથી લઈને કાર્યકર્તા બનવા માટે તૈયાર થતાં નથી. ઘરે ઘરે જઈને સોસાયટીઓમાં અને પ્લેટોમાં સદસ્યતા અભિયાન અંતર્ગત જ્યારે ભાજપના કોર્પોરેટરો કે નેતાઓ જાય તો સદસ્ય બનવાની સ્પષ્ટ ના પાડી દે છે.
માંડમાંડ સદસ્યો બનાવ્યા પણ હવે લિસ્ટ માગતા કોર્પોરેટરોમાં નારાજગી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું છે અને કાર્યકર્તા, કોર્પોરેટર ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિત તમામ ભાજપના આગેવાનો દ્વારા સદસ્યો બનાવવા માટેની હરોળ જામી છે. પાર્ટી લેવલે ખૂબ સારી કામગીરી બતાવવા માટે ઘરે ઘરે જઈને તમામ અથાગ મહેનત કરી રહ્યા છે અને લોકોના મોબાઈલ નંબર પર ઓટીપી મેળવી સદસ્યતા બતાવી દે છે. ત્યારે હવે ભાજપના કેટલાક કોર્પોરેટરોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, સદસ્યો બનાવ્યા છે, પરંતુ હવે સંગઠનમાં રહેલાં પદાધિકારીઓ સદસ્યોનું નામ , સરનામા સાથેનું લિસ્ટ માંગે છે, તે ક્યાંથી લાવવાનું, તેને લઇ અસમંજસમાં મુકાયા છે. કારણ કે હોંશે હોંશે જ્યારે સદસ્યો બનાવી લીધા છે, ત્યારે સદસ્યતા એપ્લિકેશનમાં માત્ર સદસ્યના મોબાઈલના અંતિમ બે આંકડા જ બતાવે છે. ત્યારે હવે લિસ્ટને લઈ કેટલાક સ્થાનિક કોર્પોરેટરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપનું આ સદસ્યતા અભિયાન કેટલું પાર પડે છે, તે તો આવનાર સમય જ બતાવશે.
ધારાસભ્ય માટે ઓફિસની બહાર થતો ટ્રાફિકજામ માથાનો દુઃખાવો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ રોડ પર ગેરકાયદે વાહન પાર્કિંગ અને દબાણો છે. લોકોના પ્રશ્નોની અને વાહન ચાલકોને હાલાંકી ન પડે તેના માટે રજૂઆત કરતા ભાજપના એક ધારાસભ્યની ઓફિસની બહાર જ ખૂબ ટ્રાફિક થાય છે. ધારાસભ્યની ઓફિસ પાસે ચાર રસ્તા આવેલા છે અને લોકોની અવરજવર ખૂબ રહે છે. મુખ્ય રોડ સાથે જોડતા રોડ પર તેની સાથે આવેલા છે, ત્યારે આ રોડ ઉપર સાંજના સમયે ખૂબ ટ્રાફિકજામ થાય છે. વિવિધ વિભાગોમાં રજૂઆત કરતાં આ ધારાસભ્ય પોતાના ઓફિસની બહાર જે રીતે ટ્રાફિક થતો હોય છે, ત્યારે ઓફિસ બહાર પાર્ક તથા વાહનો દૂર કરવાથી લઈને ચાર રસ્તા પર ટ્રાફિક પોઇન્ટથી તેનો જો ઉકેલ લાવશે, તો રોજના હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
યુવા ધારાસભ્યે ભાંગરો વાંટ્યો બનનાર બ્રિજ 125માં રૂપિયા બનાવી દીધો! રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં યુવા ધારાસભ્ય ભાંગરો વાટ્યો હતો. યુવા ધારાસભ્યના મતવિસ્તારમાં મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનવાનો હતો, તેનું ખાતમુહૂર્ત થવાનું હતું. સ્વાગત પ્રવચન દરમિયાન વિકાસ કાર્યો ગણાવતા તેઓએ 125 કરોડની જગ્યાએ 125 રૂપિયામાં બ્રિજ બનવા જઈ રહ્યો છે, તેવું બોલતાની સાથે જ ભાજપના નેતાઓને હાજર રહેલા લોકો બે ઘડી અચંબામાં પડી ગયા હતા. ભાજપના ધારાસભ્ય વિકાસ કાર્યો ગણાવતા ગણાવતા બ્રિજના કામમાં કરોડ બોલવાનું ભૂલી ગયા હતા. એક ઘડીએ તો લોકો વિચારવા લાગ્યા હતા કે 125 રૂપિયામાં તો એક ઈંટ ના બને અને બ્રિજ બનશે.
વિવાદિત બિલ્ડિંગના લોકાર્પણમાં સ્થાનિક નેતાઓને આમંત્રણ નહીં અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી એક ખાનગી બિલ્ડિંગના લોકાર્પણ માટે આમંત્રિત હતા. જે બિલ્ડિંગનું લોકાર્પણ થવાનું હતું, તે વિવાદાસ્પદ હોવાનું અને સ્થાનિક ભાજપના કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જેને લઇને નારાજગી વ્યક્ત થઈ હતી. ગૃહમંત્રીથી લઈને શહેર પ્રમુખ તેમજ ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવે, પરંતુ સ્થાનિક નેતાઓને જ જો જાણ ન કરે તેને લઈને રોષ ફેલાયો હતો. સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ બાબતે ગાંધીનગર ખાતે ગૃહમંત્રીને જઈને રજૂઆત કરી આવ્યા હતા. વિવાદિત બિલ્ડિંગ અને સ્થાનિક નેતાઓની નારાજગી વચ્ચે છેવટે લોકાર્પણમાં આવવાનું ગૃહમંત્રીએ ટાળ્યું હતું. સોશિયલ મીડિયામાં અને લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. છેવટે લોકાર્પણ સમારોહ રદ કરવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિકોમાં જાગી છે.
1,000ના મામુલી ટેક્સમાં સ્વચ્છ પાણી, રોડ ગટરની અપેક્ષા રાખો છો? અમદાવાદના ભાજપના એક મહિલા કોર્પોરેટરે લોકોને જાતે જવાબદાર બનવા માટેની સલાહ આપી હતી. મહિલા કોર્પોરેટરે પોતાના સ્ટેટસમાં નાગરિકોને જવાબદાર બનવાની સલાહ આપતી પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, રૂ. 1,000ના મામુલી ટેક્સમાં સ્વચ્છ પાણી, રોડ ગટરની અપેક્ષા રાખો છો, તો જાતે જવાબદાર બનો. લોકો પાણીનો વેડફાટથી લઈને ગંદકી કરે છે, તો નાગરિકોએ પણ તેને પોતાની જવાબદારી સમજીને ધ્યાન આપવું જોઈએ તેવી સલાહ આપી હતી. જોકે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાનું કામ નથી કરતા ત્યાં ભાજપના કોર્પોરેટરોની બોલતી બંધ થઈ જાય છે. પ્રજાને પ્રાથમિક સુવિધાઓની જે તકલીફ પડે છે, તે અંગે તેઓ સ્ટેટસ મૂકીને અધિકારીઓનું ધ્યાન દોરતા નથી, પરંતુ નાગરિકોને સલાહ આપી દેવાય છે.
કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ છે કે બીજું કંઈ? આખી સ્ક્રિપ્ટ લખાઈ ભાજપના કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કરવાના પ્રકરણમાં એક કોર્પોરેટર દ્વારા આખી સ્ક્રિપ્ટ લખી નાખવામાં આવીને ત્યારબાદ આપઘાત પરથી આખી વાત પર લઈ જવામાં આવી હતી. અમિત રાજપૂત સાથેના એક કોર્પોરેટરે આ આખી વાર્તા ઉભી કરી હતી અને ત્યારબાદ મીડિયામાં પણ આ જ પ્રકારે વાત કરવા માટેની સૂચના તમામ લોકોને આપવામાં આવી હતી. ખાસ કરીને અમિત રાજપૂતના પરિવારને કોઈપણ પૂછે તો દૂધપૌંઆ ખાધા બાદ તબિયત લથડી હોવાની વાત કરવા માટે કહી દેવાયું હતું. કોર્પોરેટર દ્વારા ઘણા મીડિયાકર્મીઓને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો એવી પણ ચર્ચા છે. શરૂઆતમાં તો કહેવામાં આવ્યું કે, અમિત રાજપૂતને કોઈ તકલીફ થઈ નથી. પરંતુ ધારાસભ્ય સંગીતા પાટીલ અને ડેપ્યુટી મેયર હોસ્પિટલે પહોંચતા કન્ફર્મ થઈ ગયું કે, અમિત રાજપૂત સારવાર હેઠળ છે અને ત્યારબાદ આખી વાત બહાર આવી. સુસાઈડ કે આપઘાતને લઈને શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.