પ્રયાગરાજ કુંભમેળામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એક શ્રદ્ધાળુના ગુમ થવાની ઘટના સામે આવી છે. આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદની અપીલ કરી છે.
.
પત્રમાં જણાવ્યા અનુસાર, ધાનેરા તાલુકાના વતની 50 વર્ષીય રબારી બાળકાભાઈ લખાભાઈ તેમના પરિવાર સાથે કુંભમેળામાં દર્શન માટે ગયા હતા. 29 જાન્યુઆરીના રોજ સવારે 5 વાગ્યે કુંભમેળામાં સ્નાન કર્યા બાદ તેઓ પરિવારથી અલગ પડી ગયા હતા. ત્યારથી તેમની કોઈ ભાળ મળી નથી.
પરિવારજનોએ ઉત્તર પ્રદેશ પ્રશાસનને ગુમ થયેલા વ્યક્તિનો ફોટો અને તમામ વિગતો આપી છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ સ્થિતિમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રાજ્ય સરકારને હસ્તક્ષેપ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પરિવાર ચિંતામાં છે અને તાત્કાલિક મદદની જરૂર છે.