મોડાસાના ઇટાડી સ્ટેન્ડ પાસે અજાણી મહિલા જોવા મળતાં જાગૃત નાગરિકે 181 અભયમની ટીમને જાણ કરતાં અભયમની ટીમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરાયું હતું. પરંતુ અજાણી મહિલાને પાસે તેના નામ અને સરનામાની વિગત ન હોવાથી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાયો હતો.
.
મોડાસાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય આપીને તેને મનોચિકિત્સક પાસે સારવાર કરાવી શાંત કરાઇ હતી. ત્યારબાદ તેણે પોતાના ગામનું નામ ઈટવાડી જણાવતાં હાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે આ મહિલા ઘરે જણાવ્યા વિના બહાર નીકળી ગયા છે અને આ અંગે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનથી મળેલા તેમના દીકરીના નંબર પર સંપર્ક કરતાં તેઓ પોતાની માતાને લેવા આવ્યા હતા. દીકરીનું માતા સાથે મિલનથી ભાવુક બનેલી દીકરીએ જણાવ્યું કે મારા મમ્મી અઢાર દિવસથી ઘર છોડીને નીકળી ગયા હતા. તમે એમને સાચવ્યા અને અમારા સુધી પહોંચાડ્યા તે બદલ તેમણે સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. ફરી વાર આવી ઘટના ન બને તે માટે દીકરીને સમજાવી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ મહિલાનું 18 દિવસ પછી દીકરી સાથે પુનઃ સ્થાપન કરાવ્યુ હતું.