.
વલસાડના મોગરાવાડી પ્રવેશ દ્વાર ગણાતા અન્ડરપાસની મરામત માટે 60 દિવસથી 30 હજારથી વધુ લોકોને આવજા માટે 2થી અઢી કિમીનો ચકરાવો ખાવો પડતો હતો.આ રેલવે અન્ડરપાસમાં રેલવે તંત્ર દ્વારા રિનોવેશનની કામગીરી છેલ્લા 2 માસથી ચાલી રહી હતી.જે પૂર્ણતાના આરે હતી.લોકો આ અન્ડરપાસ ક્યારે શરૂ કરશે તેની કાગડોળે રાહ જોતા હતા.હકીકતમાં રેલવે વિભાગ દ્વારા ગત 2 જાન્યુઆરી 2025થી 3 માર્ચ 2025 સુધીના 60 દિવસ દરમિયાન આરસીસી બોક્ષની કામગીરી હાથ ધરી હતી. તે અગાઉ મોગરાવાડી અન્ડરપાસ બંધ કરવાની સૂચના અંગે રેલવે વિભાગે બેનર લગાવી દીધું હતું.પરંતુ રિનોવેશન પૂર્ણતાના આરે આવી ગયું હોવા છતાં ક્યારે ચાલૂ કરાશે તેની સત્તાવાર કોઇ જાહેરાત નહિ કરવામાં આવી હતી.છેવટે તંત્રએ મોગરાવાડી અન્ડરપાસ ખુલ્લૂં મૂકી દેતા હજારો લોકોની હાલાકીનો અંત આવી ગયો હતો.