Malnourished children In Gujarat : ગુજરાત વિધાનસભામાં આજે ગુરુવારે રાજ્યમાં કુપોષણ મુદ્દે જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યાની માહિતી અપક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પ્રશ્નો કર્યો હતો. આ પછી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં કુપોષિત બાળકોને સ્થિતિને લઈને જવાબ આપવામાં આવ્યો હતો.
ધારાસભ્યોએ શું કર્યો સવાલ?
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ડૉ. કિરીટ પટેલ, ચૈતર વસાવા, ગુલાબસિંહ ચૌહાણ, ડૉ. તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ અને દિનેશ ઠાકોર દ્વારા રાજ્યમાં કુપોષણને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો કે, 31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, તાપી, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, પંચમહાલ, પાટણ, ડાંગ, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? જે પૈકી જિલ્લાવાર ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો કેટલા છે? જ્યારે છેલ્લા બે વર્ષમાં કુપોષણ નાબૂદ કરવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને તેમાં શું પરિણામ આવ્યું?
રાજ્યના 10 જિલ્લામાં કુલ 1.73 લાખ બાળકો કુપોષણનો શિકાર
વિધાનસભામાં કુપોષિત બાળકોને લઈને પૂછવામાં આવેલા સવાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે જણાવ્યું હતું કે, પાટણમાં 12,793, સાબરકાંઠામાં 21,742, ડાંગમાં 5,100, નવસારીમાં 7,150, પંચમહાલમાં 35,242, બનાસકાંઠામાં 42,419, અરવલ્લીમાં 10,729, તાપીમાં 7,201, મહીસાગરમાં 16,845, અને વડોદરામાં 14,293 બાળકો કુપોષિત છે. જેમાં રાજ્યના 10 જિલ્લામાં કુલ 1,73,514 બાળકો કુપોષણનો શિકાર છે.
આ પણ વાંચો: ‘દરેક ચોથા શબ્દે શું અભિનંદન બોલે રાખો છો…’ ગુણગાન ગાતા ધારસભ્યોને અધ્યક્ષે કરી ટકોર
મહિલા અને બાળ વિકાસ વિભાગે માહિતી આપી હતી કે, રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે 3 થી 6 વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. આ સાથે અઠવાડિયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે અને રાજ્યના તમામ ઘટકમાં 6 માસથી 3 વર્ષના બાળકોને બાલશક્તિના 500 ગ્રામનું એક એવા 7 પેકેટ્સ, અતિ ઓછા વજનવાળા બાળકોને 10 પેકેટ્સ અને 3 થી 6 વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને 4 પેકેટ આપવામાં આવે છે.