ગત વર્ષે ૧.૮૦ લાખ જેટલા જ ફોર્મ ભરાયા હતા, ગત વર્ષે ૧.૮૦ લાખ જેટલા જ ફોર્મ ભરાયા હતા
આરટીઈ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ ગઈ છે.સમગ્ર રાજ્યમાં ૨.૨૭ લાખથી વધુ ફોર્મ ભરાયા છે.જો કે ભરાયેલા ફોર્મ સામે રીસિવિંગ સેન્ટરો પર ૧.૩૯ લાખ જેટલા ફોર્મ જ જમા થયા છે અને જેને લઈને ફોર્મ ભરવાની મુદ્દત વધારાય તેવી શક્યતા છે.અમદાવાદ જીલ્લામાં ૩૦ હજારથી વધુ ફોર્મ ભરાયા છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે ગત ૫મી એપ્રિલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શરૃ કરવામા આવી છે.સરકારે નક્કી કરાયેલા પ્રવેશ કાર્યક્રમ અને નિયત મુદ્દત મુજબ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.સમગ્ર રાજ્યમાંથી ૨,૨૭,૬૩૯ ઓનલાઈન ફોર્મ કન્ફર્મ ભરાયા છે.જેમાંથી ૧,૩૯,૨૪૮ વાલીએ ફોર્મ રીસિવિંગ સેન્ટરો પર ડોક્યુમેન્ટ સાથે જમા કરાવી દીધા છે.જ્યારે ભરાયેલા ફોર્મ અને ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ૮૩૪૪૦ ફોર્મ મંજૂર થયા છે.
મહત્વનું છે કે રીસિવિંગ સેન્ટર પર ફોર્મ જમા કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે.પરંતુ ભરાયેલા ૨.૨૭ લાખ ફોર્મ સામે ૧.૩૯ લાખ જેટલા ફોર્મ જમા થતા પ્રવેશ ફોર્મ ભરવાની અને જમા કરાવવાની મુદ્દતમા વધારો કરવામા આવશે.જો કે હજુ સુધી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મુદ્દત વધારા માટે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ આવતીકાલે કાયદાકીય સલાહ બાદ નિર્ણય લેવાશે.એનએસયુઆઈ દ્વારા પણ આજે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં મુદ્દત વધારવા માટે આવેદન પત્ર આપવામા આવ્યુ હતું. આ વર્ષે આરટીઈની બેઠકો વધીને ૧.૧૭ લાખ જેટલી થઈ છે અને ગત વર્ષ ફોર્મ વધુ સંખ્યામાં ભરાયા છે.ગત વર્ષે ૧.૮૦ લાખ જેટલા જ ફોર્મ ભરાયા હતા.