Pradhan Mantri Jan Arogya Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો
ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 700 કિલો બાદ દિલ્હીમાં 900 કરોડનું ડ્રગ્સ પકડાતાં ખળભળાટ, 8 ઈરાની નાગરિક ઝડપાયા
આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.
યોજનાનો અમલ શરૂ કરાયા બાદ દર્દીઓને સૌથી વધુ દાખલ કરાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ 3.34 લાખ સાથે મોખરે, સુરત 2.21 લાખ સાથે બીજા, રાજકોટ 2.04 લાખ સાથે ત્રીજા, બનાસકાંઠા 1.50 લાખ સાથે ચોથા, વડોદરા 1.26 લાખ સાથે પાંચમાં સ્થાને છે.
ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં 847 દર્દીઓ
દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધેલી છે. જેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.