વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે દયાપરની મહારાવ લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં ‘માતૃભાષા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિશેષ વક્તાઓએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. મુખ્યમંત્રી અને ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્રનો શુભેચ્છા સંદેશ વીડિયો રૂપે રજૂ કરાયો. ડૉ. ફિરોઝબેગ મિર્ઝાએ માતૃભાષામાં પરભાષાના પ્રવેશ વિશે ઉદાહરણો સાથે સમજ આપી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉ. ફાલ્ગુની પોમલ અને ડૉ. રાજેન્દ્રકુમાર બાંભણિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે માતૃભાષાનું શિક્ષણ, સંસ્કૃતિ રક્ષણમાં તેનું યોગદાન અને વ્યક્તિત્વ વિકાસમાં તેની ભૂમિકા વિશે માહિતી આપી.
ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતભરની 365 જેટલી સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડી માતૃભાષા દિવસની ઉજવણી માટે પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. નરેન્દ્ર પરમારે કર્યું, જ્યારે સંયોજક તરીકે ડૉ. સુશીલા વાઘમશીએ સેવા આપી.
કાર્યક્રમના સમાપનમાં પ્રા. નિશા પટેલે સર્વનો આભાર માન્યો. કૉલેજના આચાર્યા કલ્યાણીબેન ભટ્ટના માર્ગદર્શન અને સર્વે અધ્યાપકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.