ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ટી.પી.કમિટિ ચેરમેન-પૂર્વ મેયર સાથે બેઠેલા જોવા મળ્યા
Updated: Dec 12th, 2023
અમદાવાદ,સોમવાર,11 ડીસેમ્બર,2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત
સંકલ્પયાત્રાનુ આયોજન કરવામાં આવે છે.મણીનગર વોર્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠેલા
જોવા મળતા કાર્યક્રમમાં હાજર ભાજપના કોર્પોરેટરોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી
હતી.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વોર્ડમાં વિકસિત
ભારત સંકલ્પયાત્રા થીમ સાથે યાત્રાનુ આયોજન કરવામાં આવી રહયુ છે.આ કાર્યક્રમમાં
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની સિધ્ધિઓ વર્ણવાની સાથે થયેલા વિકાસને લોકો સુધી લઈ
જવાનો લક્ષ્યાંક છે.સોમવારે સાંજે મણીનગર વોર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગોમતીપુર
વોડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ હાજર રહયા હતા.કોંગ્રેસના આ કોર્પોરેટર શહેરના
પૂર્વ મેયર કિરીટ પરમાર તથા વર્તમાન ટી.પી.કમિટિ ચેરમેન પ્રીતીશ મહેતાની સાથે
બેઠેલા જોવા મળતા ભાજપના કોર્પોરેટરોમાં કોંગ્રેસના કોર્પોરેટરને હાજર રહેવા કોણે
આમંત્રણ આપ્યુ આ બાબત ચર્ચાનો વિષય બની હતી.
ઈકબાલભાઈ હોંશિયાર છે-મુખ્યમંત્રીની માર્મિક ટકોર
મણીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે માર્મિક ટકોર કરતા કહયુ,ઈકબાલભાઈ
હોંશિયાર છે.વિકસિત ભારતનો લાભ લેવાનો.સામે પક્ષે ઈકબાલ શેખે પણ પોતાની બેઠક ઉપરથી
મુખ્યમંત્રીનુ અભિવાદન કરતા મુખ્યમંત્રીએ અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.
હોસ્પિટલમાંથી આમંત્રણ હતુ એટલે આવ્યો-ઈકબાલ શેખ
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખની મળેલી
પ્રતિક્રીયા મુજબ, એલ.જી.હોસ્પિટલની
સેવાઓ બાબતમાં રજુઆત હતી.હોસ્પિટલમાં સીટીસ્કેન મશીનો આવવાથી અમારા વિસ્તારના ગરીબ
લોકોને ઘણી રાહત મળશે.હોસ્પિટલ તરફથી આમંત્રણ હતુ એટલે આવ્યો હતો.મુખ્યમંત્રી સાથે
મારે મ્યુનિ.મા હતા એ સમયથી પારીવારીક સંબંધ છે.આજની મારી હાજરી રાજકીય નથી.હું
કોંગ્રેસી છુ અને રહીશ.