ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકિય વર્ષના 15 દિવસે વેરા વસૂલાતની શરૂઆત કરતાં અંદાજે 60 હજાર મિલકતધારકોએ 10 ટકાની રાહત મેળવવા વેરા ભરવાની દોડધામ આજથી શરુ કરી છે.
.
1 માર્ચ પછી પાલિકાના વેરાના બિલ જનરેટ થતા ન હતા હવે શરૂ થતા અંદાજે 60000 થી વધુ મિલકત ધારકો દ્વારા 10% રાહત નો લાભ લેવા માટે બિલ ભરવા દોડધામ શરૂ કરી છે. ગત નાણાકીય વર્ષમાં વેરાની આવક વધે તે માટે પગલા યોગ્ય પ્રમાણમાં લેવામાં આવ્યા ન હતા તેનું પરિણામ એ આવ્યું કે કુલ 49 કરોડથી પણ વધુ માંગણા સામે વસુલાત 19.50કરોડ જેટલી જ થઈ હતી.
અગાઉ પણ વસુલાત મુદ્દે જે તે સમયે નગરપાલિકા હતી ત્યારે તાકીદ કરવામાં આવી છે. હવે નવા નાણાકીય વર્ષમાં શરૂઆતથી જ કડક પગલાં ભરીને બાકીદારો સામે લાલ આંખ કરવામાં ન આવે તો ધાર્યું પરિણામ લાવી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા વસુલાત મુદ્દે ત્રણ ટીમ બનાવવામાં આવી હતી તેમાં માત્ર ત્રણ મિલકતો સીલ કરીને સંતોષ માન્યો હતો મોટા મોટા રકમ વાળા બાકીદારોને છાવરવામાં આવ્યાની ફરિયાદો પણ ઉઠી હતી.