પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં રવિવારે રાત્રે 8:30 વાગ્યે એક ચકચારી ઘટના સામે આવી છે. 53 વર્ષીય હિસ્ટ્રીશીટર મેરામણ ઉર્ફે લંગી ખુંટીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં સંજય ઉર્ફે ભાણિયો અને તેના એક સાથીની સંડોવણી સામે આવી છે.
.
મૃતક મેરામણ લંગી સામે અગાઉ હત્યા, મારામારી અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના 10 જેટલા ગુના નોંધાયેલા હતા. છેલ્લા છ મહિના પહેલા આરોપી સંજયના મિત્રના પિતા સાથે મેરામણની બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને સંજય વારંવાર ઝઘડો કરતો હતો.
આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી મેરામણને મૃત જાહેર કર્યા હતા. બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પોરબંદર રૂરલ ડીવાયએસપી સુરજીત મહેડુ સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
મૃતકના પત્ની મંજુબેને સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના ચોક્કસ કારણો અને આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચાવી છે.