સમાન સિવિલ કોડ (યુસીસી ) ના વિરોધમાં આજે વડોદરા શહેરના ઓલ ઇન્ડિયા ઇત્યાદૂ મુસ્લિમ હિન્દ, ભીમ આર્મી અને મુસ્લિમ આગેવાનો દ્વારા સંયુક્ત રીતે નાયબ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સંગઠનો દ્વારા યુસીસીનો કાયદો રદ કરવા માગણી કરવામાં આવી હતી. અગ્રણીઓ
.
ઓલ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મન્સુરીએ જણાવ્યું હતું કે યુસીસીની મુસ્લિમ સમાજને જરૂર નથી. આર્ટિકલ 25 નું હનન થઈ રહ્યું છે. આથી મુસ્લિમ વિરોધી યુસીસી કાયદો નાબૂદ કરવા અમારી માગણી છે. યુસીસી માટે બનાવવામાં આવેલી કમિટી મુસ્લિમ વિરોધી કમિટી છે. અમે અમારી ધાર્મિક સંસ્કૃતિ બચાવવા માટે, ધર્મ બચાવવા માટે આ લડત આપી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમારી ફરિયાદો સાંભળવામાં આવનાર નથી તેની અમોને ચોક્કસપણે ખબર છે. કારણ કે યુસીસી માટે બનાવવામાં આવેલી કમિટી ચોક્કસ માનસિકતા ધરાવતા સભ્યોની બનેલી હોવાથી આ યુસીસી કાયદાનો તાત્કાલિક રીતે નાબૂદ કરવા અમારી માંગણી છે. આજે અમોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે, યુસીસીનો કાયદો મુસ્લિમ લોને ખતમ કરે છે. આર્ટિકલ 25 નું ધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુસીસી કાયદાથી અમારા સમાજ અમારા ધર્મને નુકસાન થવાનું છે. યુસીસી કાયદાથી માત્ર મુસ્લિમ સમાજને નહીં પરંતુ આદિવાસી સમાજ તેમજ દલિત સમાજને પણ આ કાયદાથી અસર થવાની છે. માટે યુસીસીનો કાયદો તાત્કાલિક પણે નાબૂદ કરવા અમારી માંગણી છે. યુસીસી કમિટીમાં બેઠેલા ચોક્કસ માનસિકતા ધરાવતા હોવાથી મુસ્લિમ સમાજને ખતમ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.
યુસીસીના વિરોધમાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ભીમ આર્મીના કાર્યકરો, સંગઠનોના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને કાયદાના વિરોધમાં સૂત્રોચાર કરીને યુસીસીનો કાયદ રદ કરવાની માંગણી કરી હતી. કાયદાના વિરોધમાં આંદોલનના માર્ગે ચડેલા સંગઠનો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. આજે વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માત્ર રજૂઆત કરવામાં આવી હતી. તેઓની સાથે હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા અને યુસીસીના કાયદાનો વિરોધ કર્યો હતો.