પ્રાદેશિક કમિશનરની કોર્ટેનો તા. 3જી જાન્યુઆરીએ સુનાવણીમાં હાજર રહેવા હુકમ
2014માં બોગસ ભરતી પામેલા કર્મચારીઓની 2018માં ભરતી રદ કરાઈ છતાં 2019માં જનરલ બોર્ડે કાયમી કરતો ઠસાવ કરી દીધો હતો
ખેડા-નડિયાદ – નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૪માં ૨૬ જેટલા કર્મચારીઓની વિવિધ પદો પર ફિક્સ પગાર ધોરણથી ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓની ભરતી બોગસ હોવાનો દાવો થયો અને તે મામલે મ્યુનિસિપાલ એડમિનિસ્ટ્રેશન કચેરીના નાયબ નિયામકે આ ભરતી રદ્દ કરતો ઓર્ડર ૨૦૧૮માં કર્યો. આ બાદ ભરતી રદ્દ કરવાને બદલે ૨૦૧૯માં તત્કાલિન પ્રમુખે જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ મંજૂર કર્યો. આ સમગ્ર મામલે સતત ફરિયાદો ચાલી રહી હતી, આ વચ્ચે હવે પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં આ માામલે ઠરાવ રદ્દ કરવા બાબતે ફરીયાદી અને નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ચીફ ઓફિસર રૃદ્રેશભાઈ જે. હુદર તેમજ ૨૧ કર્મચારીઓને તા. ૩જી જાન્યુઆરીએ અમદાવાદ હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે. નડિયાદ નગરપાલિકાએ વર્ષ ૨૦૧૪માં એક ભરતી બહાર પાડી. જેમાં ૩૪૦૦ જેટલા લોકોએ દાવેદારી કરી. જો કે, નગરપાલિકાના તે સમયના સત્તાવાળાઓ દ્વારા ભરતી કોની કરવી તે અગાઉથી જ પ્લાન કર્યું હતું. તે મુજબ અલગ-અલગ ૨૬ પદો પર માનીતાઓની પાંચ વર્ષના ફિક્સ પગાર પર ભરતી કરી દીધી હતી. આ ભરતી પ્રક્રિયાના લાભથી વંચિત રહેલા બાબુભાઈ પટેલે ૧૪ માર્ચ, ૨૦૧૮ના રોજ મ્યુનિસિપાલિટી કમિશનરને લેખિત રજૂઆત આધાર-પુરાવા સાથે કરી હતી. જે બાદ મ્યુનિસિપાલિટી કમિશ્નર દ્વારા અધિક કલેક્ટરને તપાસ સોંપાઈ અને આ તપાસના રીપોર્ટને સંજ્ઞાાનમાં લઈ ૭ જુલાઈ, ૨૦૧૮ના રોજ આ ભરતી રદ કરી અને જવાબદારો સામે કોગ્નીઝેબલ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો.
જો કે, આ આદેશને ઘોળીને પી જનારા તત્કાલિન સત્તાવાળા અને નગરપાલિકા તંત્રએ ૩૧/૧૦/૨૦૧૯ની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ નં.૧થી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ કરી દીધો હતો. હવે આ પ્રકરણ સંદર્ભે પ્રાદેશિક કમિશનર દ્વારા ૨૦૧૯માં કરાયેલો ઠરાવ ૨૦૧૮માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલા આદેશનો અનાદર કરીને કરાયો હોવાનું જણાતા, આ મામલે સુનાવણી રાખી છે. જેમાં ફરિયાદી મૌલિકકુમાર શ્રીમાળીની રજૂઆત સામે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૃદ્રેશભાઈ જે. હુદર, નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ અને ભરતી પામેલા ૨૧ કર્મચારીઓએ પોતાનો જવાબ રજૂ કરવા હાજર રહેવાનું છે. જે-તે સમયે ૨૬ કર્મચારીઓની ભરતી થઈ હતી, પરંતુ તેમાંથી એક ઉમેદવાર ભરતીના લાભથી બાકાત રહ્યા હતા. તો આ સાથે જ અન્ય કર્મચારીઓ નિવૃત થયા હોવાની વિગતો મળી રહી છે.
પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ૨૧ કર્મચારીઓ
નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર રૃદ્રેશભાઈ જે. હુદર, પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, મયંકભાઈ એમ. દેસાઈ, દિનેશભાઈ આર. જોશી, રાકેશભાઈ આર. શર્મા, અશોકભાઈ આર. શર્મા, મહેશભાઈ અંબાલાલ દલવાડી, નિલેશભાઈ ચીમનભાઈ પ્રજાપતિ, જયેશ એ. કા. પટેલ, વિનોદભાઈ એ. બારોટ, રાજુભાઈ એ. શાભાઈ, મહમ્મદઆરીફ જી. મલેક, નયનભાઈ અંબાલાલ પટેલ, રાજેશભાઈ અંબાલાલ પટેલ, રફીકભાઈ ચુનીયા, સિદ્દિક ગુલામરસુલ શેખ, રમણભાઈ આર. ડાભી, દેવેન્દ્રભાઈ એમ. પટેલ, કાશીરામ જાદવ, કમલેશ વી. રબારી, હિતેશભાઈ એમ. રબારી, હેમરાજ રબારી અને હેમંતભાઈ સોઢાનો સમાવેશ થાય છે.