નવસારીની ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલનું કુંભમેળાની યાત્રા દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી.
.
ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિબેન તેમના સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા. અકસ્માતમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને કારણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી એક વ્યક્તિને ખભાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે. સ્વાતિબેનના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે.