સુરત: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ બે દિવસીય પ્રવાસે સુરતમાં છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો જ બનશે અને પાર્ટીએ નામ નક્કી કરી દીધું છે.
.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર સ્પષ્ટતા ગિરિરાજ સિંહે જણાવ્યું કે “એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે અને અમારા ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. ગઠબંધન અજીત પવાર, એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મજબૂત છે. હા, ક્યારેક પક્ષની અંદર વિમતિ થઈ શકે છે પરંતુ, આજે રાત સુધી મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી થઈ જશે.”
મસ્જિદ અને દરગાહના સર્વે પર ગિરિરાજ સિંહનો ટિપ્પણી અજમેર શરીફ દરગાહ અને મસ્જિદના સર્વેને લઈને પત્રકારોએ પૂછેલા પ્રશ્ન પર ગિરિરાજ સિંહે કહ્યું કે જવાહરલાલ નેહરુ તુષ્ટીકરણની રાજનીતિ માટે જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો કે “જો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના વડાપ્રધાન હોત તો કોઈને સર્વે માટે અદાલતમાં અરજી કરવાની જરૂર ન પડત. તુષ્ટીકરણની નીતિથી નહેરુએ દેશને મુશ્કેલીમાં મુક્યો. અદાલતના આદેશ બાદ પણ કેટલાક લોકો કાનૂન માનતા નથી. આવી જ સમસ્યાઓના કારણે આજે લોકોએ સર્વે માટે લડવું પડી રહ્યું છે.”
બાંગ્લાદેશના હિન્દુઓની હાલત માટે નહેરુને જવાબદાર ગણાવ્યા ગિરિરાજ સિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. “ડૉ. બાબા સાહેબ આંબેડકરે તેમના ‘ભારત વિભાજન’ પુસ્તકમાં નહેરુને ટકોર કરી હતી કે કુલ વસ્તીનું વિનિમય કરો, નહીં તો ભારતમાં સામાજિક સમરસતા નહીં થાય. આજે આ પરિસ્થિતિ જ આવી છે.”તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુ મહિલાઓ પર અત્યાચાર, મંદિરોનો વિનાશ અને ધાર્મિક આગેવાનોની ધરપકડ થઈ રહી છે. આ પરિસ્થિતિએ હિન્દુ સમાજને કઠોર પ્રશ્નો પૂછવા મજબૂર કર્યો છે. રાજકીય પક્ષો અને ‘ટુકડે-ટુકડે ગેંગ’ હિન્દુઓ પર થતા અત્યાચાર પર મૌન કેમ છે?”
પ્રિયંકા ગાંધીના સંસદમાં પ્રવેશ પર ટિપ્પણી પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યા બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે-ગાંધી પરિવારના તમામ લોકો રાજકારણમાં આવ્યા તો પણ ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી. દેશ કે ભાજપને તેમની હાજરીથી કોઈ પડકાર નથી. “ગાંધી પરિવારના બધા સભ્યો આવી જાય તો પણ આપણે કોઈ તફાવત અનુભવતા નથી,” એમ તેમણે ઉમેર્યું. સૂત્રો મુજબ ગિરિરાજ સિંહ તેમના સૂરત પ્રવાસ દરમિયાન વિવિધ કાપડ ઉદ્યોગના મીલ માલિકો સાથે મુલાકાત કરશે અને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અંગે ચર્ચા કરશે.