જૂનાગઢના ગિરનાર દરવાજા રોડ પર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા મામાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના સંચાલક ચાપરાજ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.12 માર્ચના રોજ સવારે સાડા સાત વાગ્યે તેઓ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા.
.
મંદિરની આગળના ભાગે લગાવેલી ગ્રીલનું તાળું તૂટેલું હતું. અંદર તપાસ કરતા લોખંડની દાનપેટીનું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું. દાનપેટીમાંથી આશરે 5થી 6 હજાર રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી. આ ઉપરાંત મામાદેવને પહેરાવેલો પિત્તળનો હાર પણ ચોરાઈ ગયો હતો, જેની કિંમત આશરે 1 હજાર રૂપિયા છે.
મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે રાત્રે 3થી 4 વાગ્યા દરમિયાન બે અજાણ્યા શખ્સો મોટરસાઈકલ પર આવ્યા હતા. એક શખ્સ બહાર વોચ પર રહ્યો હતો, જ્યારે બીજો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો. તેણે લોખંડની સળીથી દાનપેટીનું તાળું તોડ્યું હતું અને રોકડ રકમ તથા હાર ચોરી કર્યા હતા.

ચાપરાજે તેમના ભાણેજ શિવરાજ સાબાદ અને મિત્ર કમલેશ ડાંભોર સાથે મળીને બે દિવસ સુધી આરોપીઓની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ સફળતા ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ 7થી 8 હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
