સમગ્ર ગુજરાતમા ચકચાર મચાવનાર બનાવટી લેટરકાંડમા આજે હાઇકોર્ટ દ્વારા જેલમા રહેલા ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામા આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. તો બીજી તરફ એસએમસીના વડા નિર્લિપ્ત રાય દ્વારા પણ અમરેલીમા તપાસ પુર્ણ કરી લેવામા આવી છે. અને હવે તેઓ ડીજીને રી
.
અમરેલીના બનાવટી લેટરકાંડનો મુદો સમગ્ર રાજયમા ચગ્યા બાદ હજુ શાંત થવાનુ નામ લઇ રહ્યો નથી. મુખ્ય સુત્રધાર મનીષ વઘાસીયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુભાઇ ખાતરા હાલમા જેલમા છે. જયારે આ કેસમા સંડોવાયેલી વિઠ્ઠલપુરની યુવતીને અગાઉ અમરેલીની અદાલતે જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. દરમિયાન જેલમા રહેલા મનીષ વઘાસીયા સહિત ત્રણેય આરોપીએ જામીન અરજી રજુ કરી હતી. જે અંગે હાઇકોર્ટમા સુનાવણી ચાલી જતા આજે અદાલતે ત્રણેય આરોપીને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હોવાનુ જાણવા મળેલ છે.
બીજી તરફ આ અંગે રાજયના ડીજીએ યુવતીના આક્ષેપોની તપાસ કરવા એસએમસીના વડા નિર્લિપ્ત રાયને હુકમ કર્યો હતો. જેમણે સોમવારથી અમરેલીમા પડાવ નાખી ઘટના સાથે સંકળાયેલા અનેક લોકોના નિવેદન લીધા હતા. પીડિત યુવતીના નિવેદન ઉપરાંત ફરિયાદીનુ નિવેદન પણ લેવાયુ હતુ. એટલુ જ નહી રીકન્સ્ટ્રકશનની કાર્યવાહીમા દેખાતા પોલીસ અધિકારી અને કર્મચારીઓના પણ નિવેદન લેવાયા હતા. નિર્લિપ્ત રાય દ્વારા હવે સમગ્ર તપાસનો રીપોર્ટ રાજયના પોલીસ મહાનિર્દેશકને સોંપવામા આવશે. અને તેમના અહેવાલમા આવેલા તથ્યોના આધારે જવાબદારો સામે પગલા લેવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ કાનપરીયાના નામે બનાવટી લેટર તૈયાર કરી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવાના ઉદેશથી જુદાજુદા સ્થળે મોકલી વાયરલ કરવાના મુદે ગુનો નોંધાયા બાદ પોલીસે રીકન્સ્ટ્રકશનના નામે યુવતીને જાહેરમા જુદાજુદા સ્થળે ફેરવતા એક નવો જ વિવાદ સર્જાયો હતો. અને યુવતીના આક્ષેપ અંગે તપાસ કરવા નિર્લિપ્ત રાયને દોડાવાયા હતા.
અગાઉ નીચલી અદાલતે જામીન નામંજુર કર્યા’તા
અત્રે ઉલ્લેખનીય છે કે મનીષ વઘાસીયા સહિત ત્રણેય આરોપીએ અગાઉ અમરેલીની અદાલતમા પણ જામીન અરજી રજુ કરી હતી જે અદાલતે નામંજુર કરી હતી. જયારે ચોથા આરોપી તરીકે રહેલી યુવતીના જામીન મંજુર થયા હતા.
3 કર્મી બાદ હવે અધિકારીનો વારો પડશે?
યુવતીને મધરાતે તેના ઘરેથી લઇ જવાના મુદે અગાઉ પોલીસવડા દ્વારા ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. જો કે કોઇ અધિકારી સામે આ મુદે પગલા લેવાયા ન હતા પરંતુ હવે નિર્લિપ્ત રાયના રીપોર્ટ બાદ અધિકારી સામે પણ પગલા તોળાઇ રહ્યાં છે.
સીટની રચનાનો યુવતીએ અસ્વીકાર કર્યો’તો
પીડિત યુવતીએ ખુદ જિલ્લા પોલીસવડા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને જિલ્લા પોલીસવડા દ્વારા જ આ ઘટનાની તપાસ માટે સીટની રચના કરાતા યુવતીએ તેનો અસ્વીકાર કરી ઉપર સુધી રજુઆત કરી હતી.