રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયા બાદ તંત્ર દ્વારા રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે ધમધમતા ગેમઝોન પર તવાઈ બોલાવી હતી અને બંધ કરાવી દીધા હતા. આ ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો છે. ત્યારે રાજકોટમાં જ યુનિવર્સિટી નજીક ખેતીલાયક જગ્યા પર સ્પો
.
TRP અગ્નિકાંડના એક વર્ષ બાદ પણ સ્થિતિ જેમની તેમ! રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. જે ઘટનામાં એવું સામે આવ્યું હતું કે, રહેણાંક હેતુની જગ્યા ઉપર કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ વહીવટી તંત્ર દ્વારા ખેતી ઉપરાંત રહેણાંક હેતુ માટેની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે લાલઆંખ કરી હતી અને નોટિસો ફટકારવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી નામાંકિત તન્ના સ્પોર્ટ્સ લોન્સ કે જે 4 એકર જગ્યામાં પથરાયેલી છે તે ખેતીની જમીન છે. જોકે તેનો વાણિજ્યક ઉપયોગ કરવામાં આવતો હોવાથી શરત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે.
જમીન માલિક કહે હું ભાડું લેતો નથી, એકેડમી વસૂલે છે હજારો રૂપિયાની ફી! દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ યુનિવર્સિટી રોડ ઉપર આવેલી તન્ના સ્પોર્ટ્સ લોન્સ ખાતે કસ્ટમર તરીકે પહોંચી હતી અને કઈ કઈ રમતની કેટલી ફી રાખવામાં આવી છે તેવું પૂછતા કાઉન્ટર પર રહેલા વ્યક્તિ દ્વારા બ્રોસર આપવામાં આવ્યું હતું. જે મુજબ અહીં ઇન્ડોર અને આઉટડોર સહિત 50 થી વધુ એક્ટિવિટી કરાવવામાં આવે છે અને તેમાં માસિક, 6 માસિક અને વાર્ષિક ફી વસૂલવામાં આવે છે. જેમાં માસિક ફી રૂ. 200 થી લઇ રૂ. 2000, 6 માસિક ફી રૂ. 1200 થી લઈને રૂ. 6000 તો વાર્ષિક ફી રૂ. 10000 થી લઈને રૂ. 96000 સુધીની વસૂલવામાં આવતું હોવાનુ સામે આવ્યુ છે. અહીં ગ્રાઉન્ડ, બોક્સ અને કોર્ટસ ભાડે પણ આપવામાં આવે છે. આ ઉપરાંત માસિક ગ્રુપ મેમ્બરશીપ પણ આપવામાં આવે છે જેમાં ડે ટાઈમના રૂ. 1600 થી લઈને રૂ. 18000 છે તો નાઈટ ટાઈમના રૂ. 2000 થી લઈને રૂ. 21000 પણ છે. અહીં ફૂટબોલ, વોલીબોલ, જીમ્નેસ્ટીક, કરાટે, સ્કેટિંગ, ચેસ, ટેબલ ટેનિસ, બોક્સ ક્રિકેટ, યોગા, એરોબિક્સ, ગરબા, ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રાઇફલ શૂટિંગ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે.
શું કહી રહ્યા છે જમીનના માલિક? રાજકોટની તન્ના સ્પોર્ટ્સ લોન્સના માલિક અને સંચાલક વિક્રમ તન્નાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, અમને ત્રણ દિવસ પહેલા રાજકોટ કલેકટરની નોટિસ મળી છે. આજે વકીલ મારફત અમારો પક્ષ કલેક્ટર સમક્ષ હિયરિંગમાં મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમે ખેતીની જમીનનો વાણિજ્યક ઉપયોગ કરતા નથી અલગ અલગ એકેડેમી અને સંસ્થાઓને આ જગ્યા ઉપયોગ કરવા માટે આપેલ છે.વર્ષ 2019 માં પિતા હર્ષદરાય તન્નાનુ નિધન થયુ હતુ. તે વખતે આ જગ્યા મારા નામે કરેલી હતી પરંતુ હિન્દુ લો આવતા આ જમીનમાં ભાગ મેળવવા માટે બહેન દ્વારા કોર્ટ કેસ કરવામા આવ્યો હતો. જે વર્ષ 2022 થી ચાલુ છે. આ કોર્ટ કેસ ચાલુ હોવાથી હાલ આ જગ્યા ઉપર અન્ય કોઈ બાંધકામ ન થઈ શકે અને જમીનનો હેતુ ફેર પણ ન કરી શકાય. છેલ્લા 4 વર્ષથી નર્સરી રિસર્ચ યુનિટ અહીં ચાલે છે. જેમાં સ્પોર્ટ્સ માટે કયા પ્રકારના મેદાનમા વધુ ટકી શકે તેવું ઘાસ ગ્રાઉન્ડમાં પાથરવું પડે, કઈ જમીન સ્પોર્ટ્સ માટે વધુ ફાયદાકારક નીવડે તે પ્રકારનું સંશોધન ચાલે છે.
જોકે આ 4 એકર જગ્યા ઉપર વર્ષ 2022 માં ફૂટબોલની પ્રેક્ટિસ કરવા માટે આ મેદાન ખેલાડીઓને ઉપયોગ કરવા આપ્યો હતો ત્યારબાદ હાલ અહીં અલગ અલગ પ્રકારની રમતોની 14 જેટલી એકેડમી ચાલે છે અને તેમાં 600 જેટલા ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હશે જોકે આ તમામ એકેડેમી પાસેથી કોઈ જ પ્રકારના નાણાં હું લેતો નથી. જેથી આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો નથી તેવું હું માનું છું. કારણકે સ્પોર્ટ્સના હેતુ માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે.
કલેકટર દ્વારા શરતભંગની નોટિસ આપવામાં આવી રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા TLS તન્ના સ્પોર્ટસ તથા TCS તન્ના સ્પોર્ટસ દ્વારા સ્પોર્ટસ ક્લબના નામે ખેતીની જમીનનો ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે ઉપયોગ કરતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આકરૂ વલણ અપનાવી જમીન માલિકોને શરત ભંગ હેઠળ નોટીસ ફટકારી છે. શહેરનાં રૈયા – 1 ગામના સર્વે નં.17 ની 4452 ચોરસ મીટર જમીન ખેતીના હેતુ માટે નોંધાયેલી છે છતા ત્યાં કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે અને તેમાં અનઅધિકૃત બાંધકામ શા માટે દૂર ન કરવું તેવું લખાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. હર્ષદરાય તન્નાના એક વારસે આ મિલ્કત સહીતની તમામ મિલ્કતો સંદર્ભે રાજકોટની દિવાની અદાલતમાં અરજી દાખલ કરેલ છે તેમજ તે દાવાના કામે આ ખેતીની મિલ્કતમાં ગેરકાયદેસર રીતે સ્પોર્ટસ ક્લબના નેજા હેઠળ વાણિજયક હેતુથી ગેરકાયદેસર ઉપયોગ કરવા સબબ અન્ય વારસદાર અને હર્ષદરાય તન્નાના પુત્ર વિક્રમ હર્ષદરાય તન્ના વિરૂધ્ધ વચગાળાનો મનાઈ હુકમ માંગેલ છે જે દાવો હાલ કોર્ટના ન્યાયીક નિર્ણય માટે પેન્ડીંગ છે.