દેશમાં નાની બાળકીઓથી લઈ મહિલાઓ સાથે છેડતી, અપહરણ અને દુષ્ક્રમ જેવા બનાવો બનતા રહે છે. આ પ્રકારના બનાવોથી બચી શકાય તે માટે સુરતમાં સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ એક સેન્ડલ બનાવ્યું છે. જે યુવતી-મહિલાઓના પગની સાથે સાથે અસામાજિક
.
સરકારી શાળાની બે વિદ્યાર્થિનીઓએ બનાવ્યું સેન્ડલ સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમ આર્યભટ્ટ પ્રાથમિક શાળા નં. 68ની 8મી ધોરણની બે વિદ્યાર્થિનીઓ વર્ષા રબારી અને મહેક સરવૈયાએ મહિલાઓની સુરક્ષા માટે અનોખું ઈલેક્ટ્રિક સેફ્ટી સેન્ડલ તૈયાર કર્યું છે. આ સેન્ડલમાં બે ખાસ પ્રકારના સ્વિચ લગાવવામાં આવ્યા છે, જે આ ઉપકરણને વધુ અસરકારક બનાવે છે. વર્ષાના પિતા ડાયમંડ ફેકટરીમાં નોકરી કરે છે જ્યારે મહેકના પિતા એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.
લિથિયમ બેટરીના કારણે આવારાતત્વોને જોરદાર કરંટ લાગશે સેફ્ટી સેન્ડલમાં લાગેલા બે સ્વિચમાં પ્રથમ સ્વિચ મહિલાને પરેશાન કરનાર વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ આપવા માટે છે. આ સ્વિચનો ઉપયોગ કરવાથી આવારાતત્વોને તરત જ કરંટ લાગશે, જેનાથી તેઓ ડરી જશે અને મહિલાને બચવાની તક મળશે.
ઇલેક્ટ્રિક કરંટ સાથે GPS સિસ્ટમનો ઉપયોગ આજકાલના સામાન્ય કિસ્સાઓમાં, પરેશાન કરનાર પહેલા મહિલા અથવા યુવતીનો મોબાઇલ તોડી નાખે છે કે ફેંકી દે છે. એવામાં મહિલાનું લોકેશન ટ્રેક કરવાની સમસ્યા ઉભી થાય છે. સેફ્ટી સેન્ડલમાં આ સમસ્યા માટે વિશેષ સીમકાર્ડ સ્લોટ છે. આ સ્લોટમાં લગાવેલા સિમકાર્ડ દ્વારા યુવતીનું લોકેશન GPS મારફતે ટ્રેક કરી શકાય છે, જેનાથી તે જ્યાં હશે તેની માહિતી માતાપિતા અથવા સંબંધીઓને મળી શકશે.
મદદરુપ મેસેજ માટે બીજું સ્વિચ સેન્ડલમાં અન્ય એક સ્વિચ પણ રાખવામાં આવ્યું છે, જે દબાવવાથી સિમકાર્ડ મારફતે મહિલાના નજીકના સંબંધી કે માતાપિતા સુધી મદદ માટે મેસેજ મોકલાશે. આ મેસેજ મદદ માટે તાત્કાલિક કાર્યવાહી માટે અત્યંત ઉપયોગી રહેશે.
આ રીતે કામ કરશે સેન્ડલની સિસ્ટમ
એક વખતના ચાર્જમાં પાંચ કલાક સિસ્ટમ કાર્યરત રહે આ ઈલેક્ટ્રિક સેન્ડલમાં એક વખત ચાર્જ કરવામાં આવે તો પાંચ કલાક સુધી કાર્યરત રહે છે. આ ઉપકરણમાં માત્ર ઇલેક્ટ્રિક શોક આપવા માટેની સુવિધા જ નથી, પરંતુ GPS સિસ્ટમ તેમજ હેલ્પ મેસેજ જેવી સુવિધાઓ તેને વધુ સચોટ અને ઉપયોગી બનાવે છે.
સેન્ડલ કાઢીને પરેશાન કરનારને મારશે તો કરંટ લાગશે વિદ્યાર્થીની વર્ષાએ જણાવ્યું હતું કે, સેન્ડલમાં એક સર્કિટ ફિટ કરવામાં આવી છે, જેમાં બટન લગાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ મહિલાને પરેશાન કરે છે, તો તે મહિલા પોતાનું સેન્ડલકાઢીને પરેશાન કરનારને મારશે તો તેને વીજળીનો ઝાટકો લાગશે. સેન્ડલમાં લાગેલાં બટનને દબાવતા મહિલા દ્વારા દાબેલા ઇમરજન્સી નંબર પર મેસેજ પહોંચી જશે. આ બટનને ખિસ્સામાં પણ રાખી શકાય છે. સર્કિટમાં બેટરી પણ લગાવવામાં આવી છે અને તેમાં સિમ કાર્ડ સ્લોટ અને GPS પણ સામેલ છે. આ રીતે સેન્ડલ હુમલાખોરને વીજળીનો શોક આપશે અને સાથે ઈમરજન્સી મેસેજ પણ પહોંચાડી દેશે.
છેડતી અને દુષ્કર્મ ઘટના ને અટકાવવામાં મદદ મળી શકે વિદ્યાર્થી મહેકે જણાવ્યું કે, અમે સમાચારપત્ર અને ન્યૂઝ ચેનલ પર જોયું હતું કે કઈક બાળકીઓ અથવા મહિલાઓ સાથે દુષ્કર્મ જેવા કેસ થઈ રહ્યા છે. ત્યારે અમે વિચાર્યું કે કેમ ન આપણે કંઈક એવું બનાવીએ, જેનાથી આવી ઘટનાઓને અટકાવવામાં મદદ મળી શકે. આ ફુટવેર ખૂબ જ સારી રીતે કામ કરે છે, અને તેના બધા ઉપકરણો દ્વારા છેડતી કરનારાઓને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
મચ્છર મારવાના રેકેટની જાળીનો તાર શિક્ષક મયૂર પટેલે જણાવ્યું કે,GPS સોકેટને છોડીને બધી વસ્તુઓ સરળતાથી ઘરમાં ઉપલબ્ધ થઈ શકે એવી છે. અમે મચ્છર મારવાના રેકેટની જાળીનો તાર, ઇન્વર્ટર અને સિમ કાર્ડનો ઉપયોગ કર્યો છે..જુના મોબાઈલની લિથિયમ બેટરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
1200 રૂપિયાના ખર્ચે આ લેડીઝ ફુટવેર બનાવવામાં આવ્યું પ્રિન્સિપલ હેમાંગિની મહેતાએ જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થિનીઓ ભણવામાં પણ ખૂબ જ સારી છે સેટની પરીક્ષા પાસ કરી છે અને દર વર્ષે તેમને શિષ્યવૃત્તિ મળે છે. માત્ર 1200 રૂપિયાના ખર્ચે આ લેડીઝ ફુટવેર બનાવવામાં આવ્યું છે બજારમાં જો કંપની બનાવે તો સાતથી આઠ હજાર તેની કિંમત હોઈ શકે છે.