વલસાડમાં લાંબા ગાળા બાદ ફરીથી જૂની ડ્રેનેજ લાઇન ઉભરાવવાની સમસ્યા નિરાકરણ કરવા પાલિકાએ અમદાવાદથી જીયુડીસીનું આધૂનિક જેટિંગ હાઇસક્શન વેક્યુમ મશીન સાથેની ટ્રક મંગાવી છે.જેનાથી વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવતાં લોકોને આંશિક રાહત મળી રહી છે.
.
વલસાડમાં વર્ષો જૂની ડ્રેનેજલાઇન અમુક વિસ્તારોમાં નવી નાંખવામાં આવી રહી છે,પરંતું તેની સાથો સાથે જે વિસ્તારોમાં જૂની ડ્રેનેજ લાઇન પસાર થાય છે ત્યાં અમુક દિવસો બાદ કચરો,કાદવ ભેગો થતાં લાઇન જામ થવાના કિસ્સામાં ચેમ્બર ઉભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
આ સ્થિતિમાં નગરપાલિકાએ અમદાવાદથી જીયુડીસી દ્વારા ફાળવવામાં આવેલ હાઇ સક્શન વેક્યુમ મશીનની ટ્રક દ્વારા ગંદકી, કચરો ઉલેચવાની કામગીરી હાથ ઘરવા નિર્ણય લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં કામ શરૂ કરી દેવામાં આવતાં આ વિસ્તારોમાં સ્થાનિકોને રાહત મળી છે. વલસાડ પાલિકા પાસે હાલે જે જેટિંગ મશીન છે તેની ક્ષમતા મર્યાદિત હોવાથી છાશવારે વલસાડમાં ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાના ઉકેલ માટે લાંબી તપસ્યા ભોગવવાનો વારો આવે છે. જેનાથી ડ્રેનેજની ફરિયાદોને લઇ લોકોમાં રોષની લાગણી વ્યાપી જતી હોય છે.