આજથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની આગાહી ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ વખતે ફરી એકવાર આફતના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
હરિયાણામાં ભાજપની જીતથી પાટીલે જલેબી બનાવી કમલમ ખાતે ગઈકાલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હરિયાણામાં ભાજપની જીત ગુજરાત ભાજપના કાર્યાલય કમલમમાં જોવા મળી હતી. અહીં સી.આર. પાટીલે જલેબી બનાવી હતી અને નેતાઓએ એકબીજાને ખવડાવી મોઢા મીઠા કરાવ્યા હતા. બીજી તર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી મુલાકાત કરી હતી અને તેઓ પરત ફરી કમલમ પહોંચ્યા હતા.
રાવણના પુતળાદહનની તૈયારી શરૂ સુરતમાં દશેરાને લઈને રાવણના પુતળાદહનની તૈયારી શરૂ થઈ ગઈ છે. જે માટે છેલ્લા 40 વર્ષથી ઉત્તરપ્રદેશથી આવેલ પંદર જેટલા મુસ્લિમ કારીગરોએ સુરત આવીને રાવણનું પૂતળું બનાવે છે. ત્રણ પેઢીથી મથુરાથી આવીને મુસ્લિમ કારીગરો દર વર્ષે રાવણના પૂતળા બનાવતા હોય છે. પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે. જ્યાં રાવણનું આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ વખતે પ્રથમવાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન થશે અને આ પૂતળા તૈયાર કરનાર મુસ્લિમ યુવકો છે. સુરતમાં ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ આ મુસ્લિમ યુવાનો પોતાની નિષ્ઠાના માધ્યમથી આપી રહ્યા છે.
ગુજરાતમાં એક સાથે આધારકાર્ડના 56 ઓપરેટરો સસ્પેન્ડ સરકારે આધારકાર્ડની આવશ્યકતા મોટાભાગની દરેક કાર્યવાહી અને પ્રક્રિયામાં વધારી દીધી છે, પરંતુ તેની સામે સરકારમાં સેન્ટ્રલી કોઈ જાતનું નિયંત્રણ નહીં હોવાથી આધારકાર્ડની કામગીરી પણ નિરાધાર બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ કારણોસર મોટાભાગના નવા એનરોલમેન્ટની અરજી રીજેક્ટ થઇ રહી છે અને તેના કારણે ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન 56 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 271 ઓપરેટરોને રીટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે આધારકાર્ડની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓપરેટરો 10,000 ના પગાર ઉપર કોન્ટ્રાકટ પર કામ કરી રહ્યા છે, જેને કોઈ નોટિસ કે વોર્નિંગ આપવા બદલે સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો આક્ષેપ છે કે, આધારકાર્ડના મુખ્ય સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાથી એરર આવી રહી છે. જેનો ભોગ ઓપરેટરો બની ગયા છે અને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શાળામાં 4 વર્ષની બાળકી સાથે આયાના શારિરિક અડપલાં નવરાત્રિ દરમિયાન એક બાદ એક છેડતી અને રેપના કેસ સામે આવી રહ્યા છે. ગેંગરેપ બાદ હવે વડોદરા શહેરના જાંબુવાની સેન્ટ બેસિલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે શાળાની આયાએ અડપલાં કર્યાં છે. આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આયા વિરુદ્ધમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે સ્કૂલની આયાએ મારી દીકરીના ગુપ્ત ભાગે ચૂંટલી ભરી હતી અને મળ ખવડાવ્યું હતું. હું કહી શકતો નથી અને રડવું આવે છે.
પિતાના બારમા બાદ સ્કૂલે જતી પુત્રીને ઇકોએ કચડી પિતાના બારમા બાદ સ્કૂલે જઈ રહેલી પુત્રીને ઇકો કારે ટક્કર મારતા પુત્રીનું મોત થયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર એક્ટીવા પર આવી રહેલી વિદ્યાર્થિનીને જોરદાર ટક્કર મારે છે, જે બાદ વિદ્યાર્થિની એક્ટીવા પરથી નીચે પટકાય છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ વિદ્યાર્થિનીએ દમ તોડ્યો. 15 દિવસ પહેલાં હાર્ટ-એટેકથી પિતાનું અવસાન થયું હતુ.. તેવામાં પુત્રીના મોતથી પરિવારમાં ફરીથી માતમ છવાયો છે. મૃતક જીલ બારૈયાની ઉંમર 18 વર્ષ હતી. અને તેનું સપનું ડોક્ટર બનવાનું હતુ.
BRTS રૂટમાં કાળ ભેંટ્યો સુરતમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. બીઆરટીએસ રૂટની અંદર બાઈક લઈને જઈ રહેલા બે યુવકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. જેથી રોડ ક્રોસ કરનાર યુવક અને બાઈકચાલક બંન્નેના ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક સવાર એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ ઘટનામાં સામ સામે ફરિયાદ લઈને સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Source link