Updated: Jan 6th, 2024
– મકાન માલિક મહિલા સહિત છ મહિલાઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં પકડાઈ
જામનગર.તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગરમાં હરિયા સ્કૂલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહિલા સંચાલિત જુગાર ધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત છ મહિલાઓને ગંજીપાનાનો જુગાર રમતાં ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે સીટી સી. ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં હરિયા સ્કૂલની બાજુમાં જૈન દેરાસર પાસે આવેલા શુભ આવાસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 202 માં રહેતી જિજ્ઞાબેન જગદીશભાઈ જોગિયા નામની મહિલા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય મહિલાઓને એકત્ર કરીને જુગારધામ ચલાવી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક મહિલા સહિત કુલ છ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવી હતી.
આથી પોલીસે મકાનમાલિક જીજ્ઞાબેન જગદીશભાઈ જોગિયા (સોની) ઉપરાંત ચતુરાબેન વજુભાઇ ગજ્જર, પારુલબેન જીતેન્દ્રભાઈ પરમાર, હીનાબેન વિપુલભાઈ રાઠોડ, મધુબેન જેરામભાઈ પટેલ અને રીટાબેન જયેશભાઈ અનડકટ સહિત 6 મહિલાઓની અટકાયત કરી લીધી છે.
પોલીસે તેઓ પાસેથી રૂપિયા 10,900 ની રોકડ રકમ તેમજ એક નંગ મોટરસાયકલ તથા નવ નંગ મોબાઈલ ફોન વગેરે સહિત કુલ રૂપિયા 2 લાખ 24 હજારની માલમતા કબજે કરી છે.