અમદાવાદ,શનિવાર
શહેરના મણિનગર કૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલા કેટલાંક કોમ્પ્લેક્સમાં મણિનગર પોલીસે દરોડો પાડીને એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા છ વેપારીઓ સામે કાર્યવાહી કરીને રૂપિયા ૧૨ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
મણિનગરમાં રહેંતા વિશાલસિંહ જાડેજાએ મણિનગર પોલીસ મથકે બાતમને આધારે જાણ કરતા પોલીસે કૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલા કેશરકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી ડીએમ એસેસરીઝ, મુરલીધર સ્ટોર, હંસરાજ કોમ્પ્લેક્સમાં આવેલી શીવમ કોમ્યુનિકેશન,યુનિક એસેસરીઝ, કવર હાઉસ અને મધુરમ બિલ્ડીગમાં આવેલી સાક્ષી મોબાઇલ શોપમાં દરોડો પાડીને એપલ કંપનીના ડુપ્લીકેટ મોબાઇલ કવર, એડેપ્ટર, એરપોડ, ચાર્જર,કેબલ સહિત કુલ ૧૨ લાખ રૂપિયાની એસસરીઝ જપ્ત કરી હતી.
આ અંગે પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ભગીરથ પુરોહિત, નકુલ પુરોહિત, વિશાલ જૈન, રાજુ પુરોહિત, ગોવિંદસિંહ રાજપુત અને સુરેશ પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ એપલ કંપનીની ઓરીજીનલ એસેસરીઝ હોવાનું કહીને બનાવટી એસેસરીઝ ઉંચી કિંમતે વેચાણ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.