Chhota Udaipur News : નર્મદા નદીના કિનારે આવેલા નસવાડી તાલુકાના છેવાડાના કુંડા ગામના નલીયાબાર ફળિયામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ હજુ પાયાની સુવિધાનો અભાવ છે. ગામને જોડતો રસ્તો નહી હોવાથી ગત 30 જાન્યુઆરીની રાત્રે એક પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઇ જવાઇ હતી. રસ્તાના અભાવે આરોગ્ય કેન્દ્રમાં પહોંચવામાં વિલંબ થતાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
સગર્ભાને ઝોળી લઈ જવી પડી
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામના નલીયાબારી ફળિયા રહેતી મહિલા ઉર્મિલા અશ્વિન ડુંગરા ભીલને ગુરૂવારે રાત્રે પ્રસૂતિનો દુઃખાવો ઉપડતાં સ્થાનિક મહિલાઓ ચિંતિત બની હતી. 108ને જાણ કરી પરંતુ નલીયાબારી ફળિયાનો કાચો રસ્તો હોઇ 108 આવે તેમ ના હોઇ નિશાના ગામથી ખાનગી જીપને બોલાવી હતી. ખાનગી જીપ પણ કાચા રસ્તાને કારણે એક કિમી દૂર ઉભી રહેતાં આખરે સગર્ભાને લાકડાની એક દાંડી ઉપર ઝોળી બનાવીને તેમાં સુવડાવીને પરિવારજનો ઉંચકીને એક કિલોમીટર દૂર જીપ સુધી લાવેલા. ત્યાંથી જીપમાં નિશાના ગામે લાવ્યા અને ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ગઢબોરિયાદ દવાખાને લઇ જવાઇ હતી.
જો કે, ઝોળીમાં લઈ આવવાના કારણે સગર્ભાને તકલીફ પડી હતી અને પેટમાં દુખાવો અસહ્ય બન્યો હતો. ગઢબોરિયાદ દવાખાને પહોંચ્યા બાદ ડોક્ટરે પ્રસૂતિ કરાવી હતી. પરંતુ મહિલાના કુખે મૃત બાળકનો જન્મ થતાં પરિવારજનોએ રોકકળ મચાવી હતી. રસ્તાના અભાવે એક બાળક દુનિયામાં આવી ના શક્યો તેવું જણાવી તેઓએ સરકાર અને નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.