ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે વાંચ્યું કે કેવી રીતે 52 વર્ષના પ્રિન્સિપાલ ધવલ ત્રિવેદીએ અલગ-અલગ સ્થળેથી 8 યુવતીઓ-તરુણીઓને ભગાડી હતી. છેલ્લે, તે રાજકોટ પાસે પડધરીમાંથી પોતાની જ શાળામાં 9મા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થિની સાથે અડધી રાત્રે ભાગી ગયો હતો.
.
ગુજરાતભરમાં ચકચારી બનેલા આ કેસમાં સીઆઈડી ક્રાઇમને બે વર્ષ બાદ એક ઇનપુટ મળ્યા. એ મુજબ ધવલ ત્રિવેદી પંજાબમાં હોવાની પ્રબળ સંભાવના હતી, એટલે જ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા ડીવાયએસપી ડી.એમ.વાઘેલાએ તેમના સ્ટાફમાંથી એક ટીમ બનાવી અને તાત્કાલિક ધોરણે પંજાબ જવા માટે તૈયાર રહેવા કહ્યું.
હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…
સ્ટાફને સૂચના આપ્યા બાદ ડીવાયએસપી ડી.એમ. વાઘેલાએ ધવલ ત્રિવેદીના કેસની ફાઇલ મગાવી લીધા, જેમાં કેસની માહિતી તેમજ વિદ્યાર્થિની અને ધવલની તસવીરો પણ હતી.
તેમણે ઉપરી અધિકારીને ફોન કર્યો અને બે વિદ્યાર્થિની સાથે ફરાર ધવલ ત્રિવેદીનું લોકેશન ટ્રેસ થયાની માહિતી આપી. ધવલ ત્રિવેદીએ બે વર્ષ પછી પહેલી વખત તેના નજીકના મિત્રને ફોન કર્યો હતો. જે-તે સમયે તેનું લોકેશન પંજાબના બુઢલાડા નામના એક નાનકડા શહેરમાં હતું.
ઉપરી અધિકારીએ પણ પોલીસની ટીમને પંજાબ મોકલવા માટે તરત જ લીલીઝંડી આપી દીધી. આ કડીમાં હવે ત્રીજું પણ ખૂબ જ મહત્ત્વનું કામ બાકી હતું.
ડીવાયએસપી ડી.એમ.વાઘેલાએ પંજાબ પોલીસને કોન્ટેક્ટ કર્યો અને તેમને કેસની માહિતી આપી તથા બુઢલાડાની પોલીસને ધવલ ત્રિવેદી અને બન્ને અપહ્રત તરુણીના ફોટા ઈ-મેઇલથી મોકલી આપ્યા અને કહ્યું, આ લોકોની અમને ઓળખ કન્ફર્મ કરી આપો.
એક કલાકનો પણ સમય વીત્યો ન હતો ત્યાં તો પંજાબથી વળતા જવાબ રૂપે ફોન આવી ગયો. પંજાબ પોલીસે કન્ફર્મ કરી દીધું કે તમે જે ત્રણ લોકોની તસવીરો મોકલી છે એવા જ ત્રણ શકમંદ બુઢલાડામાં ભાડાના મકાનમાં રહે છે, જેમાં પુરુષ (ધવલ) એક સ્કૂલમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતો હોવાની માહિતી આપી.
ડીવાયએસપી વાઘેલાએ કહ્યું, અમારી ટીમ ગુજરાતથી નીકળી રહી છે, ત્યાં સુધી આ ત્રણે લોકો પર વોચ રાખજો.
રાજકોટથી પીએસઆઇ તેમજ મહિલા પોલીસની એક ટીમ તાબડતોબ પંજાબ રવાના કરવામાં આવી.
બીજા દિવસે બપોર પહેલાં તો પોલીસની ટીમ બુઢલાડા પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ તેમને ધવલના ઘર સુધી લઈ ગઈ. દરવાજો બંધ હતો, એટલે મકાનની બન્ને એન્ટ્રી પાસે જવાનો ગોઠવી દેવાયા.
નક્કી કરેલા પ્લાન મુજબ મહિલા પોલીસે ઘરનો દરવાજો ખટખટાવ્યો. થોડી જ વારમાં ધવલ ત્રિવેદીએ ઘરનો દરવાજો ખોલ્યો અને હિન્દી ભાષામાં સવાલ કર્યો, બોલીએ… કિસકા કામ હૈ?
મહિલા કોન્સ્ટેબલ જવાબ આપે એ પહેલાં જ દીવાલની પડખે સંતાઈ રહેલા પોલીસ જવાનો વીજળીના ચમકારાની જેમ ધવલ સુધી પહોંચી ગયા અને પકડી લીધો. પછી તો મહિલા પોલીસ સહિતનો બાકીનો સ્ટાફ પણ ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં બન્ને વિદ્યાર્થિની પણ હતી.
સાદા વેશમાં પોલીસને જોઈને ધવલ કાંઈ જ સમજી શક્યો નહોતો એટલે ‘કૌન હો તુમ…કૌન હો તુમ’ એવા સવાલોની બૂમ ચાલુ જ હતી.
ત્યારે પીએસઆઇએ કહ્યું, ‘અમે રાજકોટ સીઆઇડી ક્રાઇમમાંથી આવ્યા છીએ. તારો ખેલ પૂરો થયો. હવે અમારી સાથે ચાલ.’
શુદ્ધ ગુજરાતી ભાષા સાંભળીને ધવલ પળભરમાં ઢીલો પડી ગયો. કદાચ તેને વિશ્વાસ જ નહીં આવ્યો હોય કે પોલીસ તેના સુધી પહોંચી જશે. હવે કોઈપણ આનાકાની વગર શરણાગતિ સ્વીકારવી એ જ ધવલ માટે રસ્તો બચ્યો હતો. પીએસઆિએ આખાય ઘટનાક્રમની જાણ ડીવાયએસપી વાઘેલાને કરી અને પંજાબથી ત્રણેયને લઈને રાજકોટ પરત લાવવા નીકળ્યા.
આશ્ચર્યની વાત એ છે કે પોલીસ જ્યારે ત્રણેયને પંજાબથી રાજકોટ લાવી રહી હતી ત્યારે આખા રસ્તે બન્ને વિદ્યાર્થિની ધવલનો પક્ષ લેતી રહી. બન્નેએ પોલીસને કહ્યું હતું, અમારી સાથે કોઈ અઘટિત કૃત્ય નથી કર્યું.
આખા રાજકોટ પંથકમાં વાત ફેલાઇ ગઈ કે બે-બે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને ભાગી જનારો પ્રિન્સિપાલ પોલીસને હાથ લાગી ગયો છે. પોલીસ સહિત બધા લોકોને એ જાણવામાં રસ હતો કે આટલો સમય ત્રણેય લોકો ક્યાં રહ્યાં અને સૌથી મોટો સવાલ બન્ને છોકરી એકસાથે રહેવા માટે કેવી રીતે તૈયાર થઈ ગઈ?
ડીવાયએસપી ડી.એમ.વાઘેલા ધવલની રાહ જોઈને સીઆઇડી ક્રાઇમની ઓફિસમાં બેઠા હતા. ધવલ ત્રિવેદી અને બન્ને વિદ્યાર્થિની ત્રણેયને તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યાં. પંજાબથી ધરપકડ થઈ ત્યારથી રાજકોટ પહોંચ્યા ત્યાં સુધી ધવલ મૌન સેવીને બેઠો હતો, પરંતુ હવે મોઢું ખોલ્યા સિવાય છૂટકો નહોતો.
પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો 52 વર્ષના શિક્ષકે ગુરુની ગરિમાને લજવે એવા પોતાના કાંડના જ એકેએક ચેપ્ટર ખુલ્લાં પાડ્યાં, જે સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા.
પડધરીથી બે વિદ્યાર્થિની સાથે ધવલ પંજાબ કેવી રીતે પહોંચ્યો? પોતાનાથી લગભગ 35 વર્ષ નાની બે વિદ્યાર્થિનીને લઈને રફુચક્કર થયેલા ધવલે કબૂલાત આપેલી માહિતી પ્રમાણે બન્ને વિદ્યાર્થિની તેમની મરજીથી જ સાથે આવવા તૈયાર હતી. એ રાત્રે બે વાગ્યે એક ટેક્સી સ્કૂલ પાસે બોલાવી રાખી હતી.
વિદ્યાર્થિનીઓ અને ધવલ ટેક્સી મારફત પાલનપુર સુધી ગયા હતા. ત્યાર બાદ તેમણે ટ્રેનની મુસાફરી શરૂ કરી. પાલનપુરથી જોધપુર સુધી ટ્રેનથી પહોંચ્યાં હતાં. જ્યાં તેણે બન્ને વિદ્યાર્થિનીઓને કપડાં, સેન્ડલ જેવી વસ્તુઓ ખરીદી આપી હતી. ત્યાર બાદ રાજસ્થાન છોડી દીધું અને ભોપાલ પહોંચી ગયા.
થોડા જ દિવસોમાં ભોપાલથી દક્ષિણ ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં રખડ્યાં અને કેરળ પહોંચીને એક અઠવાડિયા સુધી રોકાયાં હતાં. કેરળથી ફરી એકવાર ધવલ અને બે વિદ્યાર્થિનીઓએ મુસાફરી કરી અને હરિયાણાના કાલકામાં આવીને રહેવા લાગ્યાં. આ જગ્યાએ ધવલ બન્ને વિદ્યાર્થિનીઓ સાથે 11 મહિના સુધી રોકાયો અને આ અરસામાં તેણે પોતાના ડુપ્લિકેટ રેશન કાર્ડ, ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ સહિતના કેટલાક ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા. કાલકામાં પણ ધવલે એક ખાનગી સ્કૂલમાં નોકરી કરી હતી.
કાલકા છોડ્યા બાદ ધવલ પંજાબ ગયો અને બુઢલાડામાં બે અલગ-અલગ ખાનગી શાળાઓમાં નોકરી કરી હતી. અંતે તે મનુવાટીકા સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યારે પોલીસના સકંજામાં આવી ગયો હતો.
11 ભાષા બોલતો ધવલ કોઈને પણ પોતાની વાતમાં ફસાવી લેતો ધવલે કહ્યું, મારું ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તેલુગુ, કન્નડ, ફ્રેન્ચ સહિતની 11 ભાષા પર પ્રભુત્વ છે, એટલે કોઈપણ સારી શાળામાં મોં માગ્યો પગાર પણ મળી જતો હતો.
પૂછપરછ દરમિયાન ચોંકાવનારી બાબત એ પણ જાણવા મળી કે ધવલ દરેક રાજ્યમાં અલગ ઓળખ આપતો હોવાથી પોતાની શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ રજૂ કરી શકે એમ નહોતો છતાં પણ તેની વાતચીતને અંદાજ જ એવો રહેતો કે કોઈપણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય, એટલે જ સર્ટિફિકેટ તેમજ ઓફિશિયલ ઇન્ટરવ્યૂ વગર જ ઘણી શાળાઓમાં તેને નોકરી મળી જતી હતી.
પોલીસથી બચવા માટે તે ક્યારેય મોબાઇલનો ઉપયોગ કરતો નહિ. જ્યારે પડધરીથી બે વિદ્યાર્થિનીઓને લઈને ભાગ્યો ત્યારથી એ બન્નેને પણ મોબાઇલ ફોન વાપરવા માટે નહોતા આપ્યા. ધવલ જે પણ શહેરમાં રહેવા જતો ત્યાં એકને પોતાની પત્ની અને બીજીની ઓળખ સાળી તરીકે આપતો હતો. મોટે ભાગે ત્રણેક મહિનામાં ઘર બદલી નાખતો હતો.
પોલીસે જ્યારે ધવલને પૂછ્યું કે તું કોઈ એક યુવતી સાથે લગ્ન કરીને ઠરીઠામ કેમ નથી થતો?
ત્યારે તેણે જણાવ્યું, પોતે જીવનમાં અલગ-અલગ યુવતીઓ સાથે સહવાસમાં રહી આ અનુભવ પર એક પુસ્તક લખવા માગે છે. પડધરીની બન્ને તરુણી સહિત અત્યારસુધીમાં 8 યુવતી-તરુણીઓને ભગાવી ચૂક્યો છું અને હવે માત્ર બે યુવતી મળી જાય એ પછી પુસ્તક લખવાનું શરૂ કરીશ! જેનું નામ “10 પર્ફેક્ટ વુમન ઇન માય લાઇફ” હશે.
મોટી ઉંમરની વ્યક્તિને પરણેલા સેલિબ્રિટીના ઉદાહરણ આપી મોહજાળમાં ફસાવી લેતો પૂછપરછ દરમિયાન ધવલ ત્રિવેદી પોતે સેક્સ પાવર વધારવા માટેની દવાઓ લેતો હોવાનું સ્વીકાર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે વશીકરણ વિદ્યા જાણે છે, જેના થકી વિદ્યાર્થિનીઓને પ્રભાવિત કરીને ફસાવી લેતો હતો. કિશોરીઓને પોતાની સાથે ભાગી જવા માટે બ્રેઈનવોશ કરતો. એ માટે જે સેલિબ્રિટીઝે પોતાનાથી નાની ઉંમરની મહિલાઓ સાથે લગ્ન કર્યા હોય તેમના જીવન વિશે જણાવતો અને કહેતો આમાં અફસોસ કરવા જેવું કાંઈ જ નથી.
ધવલ ત્રિવેદી હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. 9મા ધોરણની વિદ્યાર્થિનીઓને ભગાડવાના કેસમાં તેની સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો જેવી કલમો પણ લગાવવામાં આવી હતી. ગુજરાતભરમાં ચર્ચામાં બનેલા લંપટ ગુરુના રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે કરવામાં આવ્યો અને બીજી તરફ પોલીસ તેના વિરોધમાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં લાગી ગઈ.
કેસ લડવા વકીલ ન રોક્યો, પોતે જ કોર્ટમાં દલીલો કરી ધવલ સામે ઘડાયેલા આરોપોને જોતાં લાગતું હતું કે હવે તે ક્યારેય જેલમાંથી પાછો બહાર નહીં આવે. થોડા જ મહિનાઓમાં પોલીસે ધવલ સામે સજ્જડ પુરાવા ભેગા કરીને કોર્ટમાં ચાર્જશીટ જમા કરાવી દીધી અને કેસ આગળ વધ્યો. ત્યારે ધવલે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેણે પોતાના કેસ માટે વકીલ રોકવાને બદલે જાતે જ કેસ લડવાનું નક્કી કર્યું.
નિયમ મુજબ કોર્ટે પણ તેની આ અરજી ગ્રાહ્ય રાખી. કોર્ટમાં સુનાવણી દરમિયાન ધવલે પોતાના પક્ષમાં ઘણા ધારદાર દલીલો કરી હતી. જોકે તેના તર્ક સામે ઇન્વેસ્ટિગેશન કરનાર પોલીસ અધિકારીઓ પાસે નક્કર પુરાવા અને સાક્ષીઓની કતાર હતી. લગભગ ચાર વર્ષનો સમય વીતી ગયો.
પુરાવા, મેડિકલ રિપોર્ટ તેમજ સાક્ષીઓનાં નિવેદનના આધારે અદાલતે ધવલ સામેનો અપહરણ, બળાત્કાર અને પોક્સોનો કેસ સાચો માન્યો. 2018માં માર્ચ મહિનામાં નીચલી અદાલતે ધવલ ત્રિવેદીને આજીવન કેદ અને 30 હજાર રૂપિયા દંડની સજા ફટકારી હતી.
આ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં લંપટ શિક્ષક ધવલ 8 છોકરીઓ-યુવતીઓને પોતાની કથિત પ્રેમજાળમાં ફસાવી ચૂક્યો હતો. 10 યુવતી સાથે પ્રેમલીલા બાદ તે પુસ્તક લખશે એવું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. એટલે કોર્ટની સજા પછી તો ઘણા બધાને એવું લાગ્યું કે હવે ધવલના લજામણા ખેલનો અંત આવી ગયો, પરંતુ સુધરે એ બીજા!
રાજકોટની જેલમાં સજા કાપતા સમયે ધવલે કેદીઓને અંગ્રેજી શિખવાડવા તંત્રની મંજૂરી માગી અને મળી પણ ગઈ. જેલમાં તેણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરી દીધા હતા.
કોર્ટે સજા સંભળાવ્યે માંડ ચારેક મહિના થયા હતા ત્યારે ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં તેની ઓળખ સારા શિક્ષક તરીકે તે બનાવી ચૂક્યો હતો, એટલે સારી ચાલ-ચલગતનાના કારણે પેરોલની અરજી મંજૂર કરી દેવામાં આવી. ધવલ હવે ટૂંક સમયની આઝાદી માટે જેલમાંથી બહાર આવ્યો અને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા 9મી છોકરીને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે પાસાં ગોઠવવા લાગ્યો.
રાજકોટથી ચોટીલા આવીને અઠવાડિયામાં જ 9મી છોકરી સાથે ભાગી ગયો જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા પહોંચી ગયો હતો. ચોટીલામાં તેણે પોતાની ઓળખ ધર્મેન્દ્ર દવે તરીકે આપી અને આશ્ચર્યજનક વાત એ છે કે ફક્ત બે જ દિવસમાં તેણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ સંચાલકને વિશ્વાસમાં લઈને નોકરી પણ મેળવી લીધી. ફરી એ જ સોગઠાં સાથે ધવલ પોતાના બદઇરાદાને પાર પાડવા માટે આગળ વધી ચૂક્યો હતો અને સૌકોઈ તેનાથી અજાણ હતા.
ધવલે ચોટીલામાં અઠવાડિયા સુધી જ ટ્યૂશન ક્લાસ લીધા અને 56 વર્ષની ઉંમરે 18 વર્ષથી એક વિદ્યાર્થિનીને પોતાના કથિત પ્રેમમાં ફસાવી લીધી 12 ઓગસ્ટ, 2018ના રોજ ધવલ ત્રિવેદીએ પેરોલનો સમય પૂરો થતાં જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તેના આગલા દિવસે જ ચોટીલાની વિદ્યાર્થિનીને લઈને તે ભાગી ગયો. જે-તે સમયે તો કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે આ કરતૂત ધર્મેન્દ્ર દવે નહીં, પરંતુ ધવલ ત્રિવેદીનાં છે.
યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં દીકરી ગુમ થયાની અને અપહરણની ફરિયાદ નોંધાવી ત્યાં સુધી પોલીસને ધવલના રોલની ખબર ન હતી. પોલીસે ક્લાસીસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો ધવલ દેખાયો, એટલે ખળભળાટ મચી ગયો. ફરી એકવાર ધવલ લાઇમલાઇટમાં હતો અને પોલીસ પર તેને શોધી કાઢવાનું પ્રેશર પણ હતું.
ચોટીલાથી યુવતીને લઇને ભાગેલો ધવલ સૌથી પહેલા અમદાવાદ પહોંચ્યો હતો, પરંતુ તેની પાસે વધારે દૂર જવા માટેના રૂપિયા ન હતા. રાજકોટની જેલમાં હતો ત્યારે તે ભાવનગરના શંકર નામના એક કેદીના સંપર્કમાં આવ્યો હતો. તેણે કોઈક રીતે શંકરનો કોન્ટેક્ટ કર્યો અને આંગડિયા મારફત અમદાવાદમાં 10 હજાર રૂપિયા મગાવ્યા. શોધખોળ કરી રહેલી પોલીસ પણ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને આંગડિયા પેઢીના ફૂટેજ પણ મળી આવ્યા, પરંતુ એ પહેલાં તો ધવલ અમદાવાદ છોડી ચૂક્યો હતો.
9મી છોકરી સાથે ધવલ ત્રિવેદી ફરાર થઈ ગયો હતો, તેને શોધવા માટે પોલીસે ઘણા ધમપછાડા કર્યા, પરંતુ મહિનાઓ સુધી તેનો પત્તો પણ ન લાગ્યો. ધવલની મોડસ ઓપરેન્ડ હતી કે તે ગમે ત્યાં ટ્યૂશન ક્લાસીસ કે શાળાઓમાં નોકરી કરતો હતો. પોલીસે આ દિશામાં પણ તપાસ આદરી છતાં તેની ભાળ ન મળી.
હાઇકોર્ટમાં કેસ પહોંચ્યો અને ધવલને શોધવાનું કામ સીબીઆઈને સોંપાયું ધવલ પોતે પોક્સો, દુષ્કર્મ અને અપહરણ જેવા કેસમાં સજા પામેલો ગુનેગાર હતો. એક વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ છતાં તેની ધરપકડ ન થતાં આખો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો.
ગુજરાત પોલીસે ગુનો નોંધ્યા પછી ધવલ ત્રિવેદીને પકડવો તેમના માટે મુશ્કેલ બનતાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો હતો.
સીબીઆઈએ ધવલ અને તેની સાથે રહેલી યુવતીને શોધી કાઢવા તમામ રાજ્યોની પોલીસની મદદ માગી હતી. આ ઉપરાંત તમામ રાજ્યના શિક્ષણ વિભાગને પણ ધવલ અંગે જાણકારી આપી હતી. એટલું જ નહીં, ધવલ ત્રિવેદીને શોધી કાઢે તેને પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાની પણ જાહેરાત સીબીઆઈએ કરી દીધી હતી. તેના નામ અને તસવીર સાથે પોસ્ટર પણ છપાવ્યાં હતાં.
એક વર્ષની લાંબી મહેનત પછી દિલ્હી પોલીસે ધવલને શોધી કાઢ્યો હતો. અગાઉ શિક્ષક બનીને નોકરી કરતો ધલવ આ વખતે પોલીસથી બચવા માટે હિમાચલ પ્રદેશની એક ફેક્ટરીમાં શીખ વ્યક્તિનો વેશ ધારણ કરીને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો.
દિલ્હી પોલીસ પાસેથી ધવલની કસ્ટડી લીધા પછી CBIએ પોતાની તપાસ આગળ વધારી હતી, જેમાં ખુલાસો થયો કે ધવલે હિમાચલની છોકરીઓને પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. અપહરણ અને દુષ્કર્મના આરોપ સાથે તેને અમદાવાદમાં સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ કેસમાં 400 પાનાંની ચાર્જશીટ પણ રજૂ થયેલી છે. ધવલ ત્રિવેદી આજે પણ જેલના સળિયા પાછળ છે.
ધવલ ત્રિવેદીનો ભૂતકાળ શું હતો, કેવી રીતે તેણે 10થી વધુ રાજ્યોમાં ભટકીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, ક્રાઇમ ફાઇલ્સ પાર્ટ-1 વાંચવા અહીં ક્લિક કરો.