નવસારી સબજેલમાં પાકા કામના કેદીની તબિયત લથડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
.
નવસારીમાં આવેલી સબજેલમાં પાકા તેમજ કાચા કામના કેદીઓ સજા ભોગવે છે. ગઈકાલે દિવાળીનો તહેવાર હોય સૌ કેદીઓ મેન્યુઅલ મુજબ ઉજવણી કરી રહ્યા હતા, તે દરમિયાન સાંજે પાકા કામનો કેદી જાનીયા કાકડભાઇ વસાવણા જે મૂળ દાદરા નગર હવેલીના ભુજપાડા ગામનો રહેવાસી છે જે 302 કલમ હેઠળ હત્યાની કોશિશમાં સજા ભોગી રહ્યો હતો. જે દરમિયાન ગઈકાલે સાંજે તેણે જેલ અધિકારીઓને તબિયત લથડવાને લઈને ફરિયાદ કરી હતી. જેના આધારે જાપ્તા સાથે તેને નવસારી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સાંજે 7:10 કલાકે સબજેલ ખાતે ફોન કરી તેને મરણ ગયેલ જાહેર કર્યું હતું, આ મામલે નવસારી ટાઉન પોલીસ હદ મથકમાં અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ PSI વી.પી ચૌધરી કરી રહ્યા છે.
નવસારી સબજેલના અધિકારી પરેશ પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે પાકા કામનો કેદી જાનીયાભાઈ વસાવણા અગાઉથી બીમારી ધરાવતો હતો. તેને ભૂતકાળમાં ડાયાબિટીસ થયું હતું. જેની સારવાર શરૂ હતી. ગઈકાલે સાંજ તેણે તબિયત લથડવાને લઈને ફરિયાદ કરતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સાંજે તેણે અંતિમ શ્વાસ લેતા નવસારી ટાઉન પોલીસ મથકમાં તપાસ સોંપવામાં આવી છે અને અકસ્માત મોતને લઈને તપાસ વીપી ચૌધરી કરી રહ્યા છે.