કાશ્મીરમાં સિઝનમાં સૌથી વધુ કાતીલ હિમવર્ષાના પગલે જનજીવન ખોરવાયું છે આ બરફ વર્ષા ની અસર ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ વરસાદ સાથે ભારે ઠંડી પડી રહી છે કાશ્મીરના હીમ વર્ષા ની અસર સુરતમાં પણ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેની અસર થી સરથાણા નેચર પાર્ક માં રહેલા પ્રાણીઓને બચાવવા માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા હરણના વસવાટ કરવાની જગ્યાએ લાકડા ગોઠવીને તાપણા કર્યા છે. આ ઉપરાંત વાઘ-સિંહ રીંછના પીંજરામાં હીટર મુકાયા, પક્ષીઓના પીંજરામાં બલ્બ મુકાયા છે. આ ઠંડીની સાથે હિંસક પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો જોવા મળ્યો છે.
હાલ ડિસેમ્બર નો પૂરો થવા આવ્યો છે જોકે, ગઈકાલે કાશ્મીરમાં સિઝનની સૌથી વધુ હિમવર્ષા થઈ છે. કાશ્મીરમાં આ સિઝનમાં એટલો બરફ પડ્યો છે કે સેંકડો પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા છે અને અનેક રસ્તાઓ બંધ થઈ ગયાં છે. કાશ્મીરમાં પડેલા બરફની ઠંડીની અસર છેક સુરત સુધી પહોંચી ગઈ છે. સુરતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ઠંડી પડી રહી છે અને તેના કારણે લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર અને અન્ય વસ્તુનો ઉપયોગ કરી રહ્યાં છે. તો બીજી તરફ સુરતના સરથાણા ખાતેના શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડન માં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સરથાણા ખાતે નેચર પાર્ક માં પ્રાણીનો કુદરતી વાતાવરણમાં મેદાનમાં મુકવામા આવે છે અને તેઓ બહાર ન જઈ શકે તે માટે દિવાલ બનાવી દેવામાં આવી છે. પાલિકાના આ પ્રાણી સંગ્રહાલયમાં હરણ ખુલ્લામાં રહેતા હોય તેમને ઠંડી ન લાગે તે માટે લાકડા ગોઠવીને તાપણા કરી દેવામા આવ્યા છે. અને હરણ રાખવામા આવ્યા છે તે જગ્યાએ પાંદડા મુકી દેવામાં આવ્યા છે તેથી તેઓ તેના પર બેસીને ઠંડીથી રક્ષણ મેળવી શકે છે.
આ ઉપરાંત હવે ઠંડી વધી રહી છે તેથી રીંછ, વાઘ અને સિંહ જેવા પ્રાણીઓને રાખવામાં આવે છે તેના પીંજરા બહાર હીટર ગોઠવી દેવામાં આવ્યા છે જેના કારણે આ ઠંડીમાં પ્રાણીઓને રક્ષણ મળી શકે છે. આ ઉપરાંત રીંછના ખોરાકમાં ઘટાડો થયો છે હાલમાં ઠંડી વધુ હોવાથી માંસાહારી પ્રાણીઓ ના ખોરાકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પક્ષીઓના પીંજરામાં બલ્બ મુકી દેવામાં આવ્યા છે. જેના કારણે પ્રાણી ઓ સાથે પક્ષીઓને પણ ઠંડીથી રક્ષણ મળી રહ્યું છે.