રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં ગાગોદર પોલીસ મથકનું નવું મકાન લોક ભાગીદારીથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પોલીસ મથક બે વર્ષ પહેલા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેના કાર્યક્ષેત્રમાં 40 કિલોમીટરનો નેશનલ હાઈવે અને 30 ગામોનો સમાવેશ થાય છે
.
નવા પોલીસ સ્ટેશનના મકાનના નિર્માણમાં 100% લોક ભાગીદારી રહી છે. આ સહયોગ બદલ આજે પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં જમીનદાતા અમૃત લાલજી શાહ, ગાગોદર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, ધાણીથર વિશા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સમાજ સહિત અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તમામ દાતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પીઆઈ વી.એ.સેગલે કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જે પોલીસ વડા બાગમાર, જિલ્લા પંચાયત પ્રમુખ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક સાંબડાના હસ્તે કરવામાં આવ્યું હતું.