પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં 16મી નવેમ્બરે રાત્રે રેગિંગની ઘટના બની હતી. જેમાં MBBS ફર્સ્ટ યરનોસ્ટુડન્ટ અનિલ મેથાણિયા અચાનક બેભાન થયો અને તેનું મોત થયું હતું. ત્યારે દીકરાને ડોક્ટર બનાવવા માગતા ખેડૂત પરિવારના માથે આભ ફાટ્યું છે. દિવ્ય ભાસ્કર સુરેન્દ
.
MBBS સ્ટુડન્ટના ઘરનો માહોલ જેસડા ગામમાં MBBS સ્ટુડન્ટના ઘરે પરિવારજનોનું હૈયાફાટ રૂદન સંભાળતું હતું. માતા-પિતા, બહેનો સહિતના પરિવારજનો રડી રહ્યા હતા. સ્વજનો પણ દુઃખની ઘડીમાં સધિયારો દેવા આવી રહ્યા હતા. ઘરના ડેલાની બહાર સ્વજનો આવતા હતા. ડેલા અંદર પ્રવેશતાં જ ઘરની આગળ એક ખુરસીમાં અનિલની તસવીર રાખવામાં આવી છે. તેની બાજુમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની એક તસવીર રાખવામાં આવી છે. અહીં આવતા લોકો પુષ્પાંજલિ અર્પે છે. પરિવારને સધિયારો આપે છે. ઘરે સ્વજનોની સતત અવરજવર છે. સૌના મોઢા ગમગીન છે. ગામના ચોકમાં લોકો બેઠા છે. પરિવાર માથે પડેલા કાળના કારમા ઘાની ચર્ચા કરે છે. ગામ આખું શોકાતૂર છે.
પુષ્પાંજલિ માટે મૃતકની તસવીર મૂકવામાં આવી છે
રેગિંગ અને ત્યારબાદનો સમગ્ર ઘટનાક્રમ શું હતો? પાટણની ધારપુર મેડિકલ કોલજમાં રેગિંગ થયું હતું. જેમાં શનિવારે (16મી નવેમ્બર) રાત્રે મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અનિલ મેથાણિયા સિનિયરના રેગિંગથી બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ કોલેજમાં તાત્કાલિક એન્ટિ રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું હતું. આ મામલે મેડિકલ કોલેજે 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે BNSની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
અનિલના પિતરાઈ ભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી
અનિલના માતા-પિતા, બહેનોની હાલત ખરાબ કાકાના દીકરા ગૌતમે પિતરાઈ ભાઈના આકસ્મિક મોતથી વ્યથિત સ્વરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, એના મમ્મી-પપ્પા કોઇ જોડે વાત કરવાની હાલતમાં નથી, એની એક બેનને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. એની મોટી બહેનની હાલત બહુ ખરાબ છે. તેઓ એકબીજા સાથે વાતચીત પણ કરવાની સ્થિતિમાં નથી. ફેમિલીનો એકનો એક બાબો હતો, ઘણીબધી આશા બંધાયેલી હતી, એ એક જ પળમાં વિખેરાઈ ગઈ.
માતા સહિતના પરિવારજનોના આંસુઓ સૂકાતા નથી
બે બહેનોનો એકનો એક લાડલો ભાઈ હતો ગૌતમે જણાવ્યું કે, બે બહેનો પછી આઠ વર્ષે કોઈ ઘરમાં દીકરો આવ્યો હોય, MBBS ડોક્ટર બનવાનો હોય એના માટે ઘણી બધી આશાઓ બંધાયેલી હોય. એક ખેડૂત માંડમાંડ મેડિકલ કોલેજની ફી ભરે એ કુટુંબ પરિવારના અરમાનો પર પાણી ફરી વળે. એની મેડિકલની ભણવાની એક વર્ષની 12 લાખ હતી, જેમાં એક સેમેસ્ટરની 6 લાખ ફી ભરી દીધી હતી. હોસ્ટેલ ગયા પછી એની બેનની સગાઇ થઇ હતી, એના અઠવાડિયા બાદ એના બેનની સગાઇ હતી તો આવ્યો હતો, આ બાદ દિવાળીમાં આવ્યો હતો. ફેબ્રુઆરી 20 તારીખે બહેનના લગ્ન હતા.
પિતાએ ઘડતરની લાકડી ગુમાવી દીધી છે
કડક સજા કરો અને એડમિશન રદ કરો- મૃતકનો પિતરાઈ ગૌતમે જણાવ્યું હતું કે, અમારી માગ છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સમાજનું ખરાબ કૃત્ય કરનાર સામે એવી જ કાર્યવાહી કરવામાં આવે. ફ્યુચર અને ભારતના ભાવિ ડોક્ટરો હતા. તે આવું કૃત્ય કરે, તમનું માઈન્ડ જ આવું ક્રિમિનલ છે, તો એ શું આપણા દેશની સેવા કરશે? એમનું એડમિશન રદ થવું જોઈએ. દેશ-વિદેશમાં ક્યાંય સ્ટડી જ ન કરી શકે. એમને આજીવન જેલ થવી જોઈએ. બહાર રહેશે તો તે ક્રાઈમ કરવાના જ. આજે નાનો ક્રાઈમ કર્યો કાલે મોટો કરી શકે છે.
પરિવારને ન્યાય આપવામાટે સરપંચે માગ કરી
ગામમાં દીકરો ડોક્ટર બનશે એનો હરખ હતો-સરપંચ ગામના સરપંચ ભગવાનભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે, અમારે અહીં બે ગામ વચ્ચે આ એક દીકરો MBBSમાં અભ્યાસ કરતો હતો. અમને ખૂબ હરખ હતો કે અમારા ગામનો દીકરો પણ ડોક્ટર બનશે, પણ અમારો જે કઈ આનંદ-ઉત્સવ હતો, તે આ ધારપુર કોલેજમાં જે બનાવ બન્યો તેના કારણે અમારી બધી આશા નિષ્ફળ ગઈ છે. તેના માતા-પિતા ખેતી કામ કરે છે. એકનો એક દીકરો હતો. તેમજ બે બહેનો હતી. જેમાં એક બહેનના લગ્ન થઈ ગયા હતા. જ્યારે બીજી બહેનના લગ્ન બે મહિના પછી હતા. દિવાળી કરવા દીકરો ગામમાં આવ્યો હતો. દિવાળી વેકેશન પછી અત્યારે ગયો અને બે-ચાર દિવસમાં આ બનાવ બન્યો છે. ત્યારે સરકારને મારી વિનંતી છે કે, આમાં જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય તે કાર્યવાહી કરવામાં આવે. તેના માવતરને ન્યાય મળે તે જ અમારી માગ છે અને આવું ફરી ક્યારેય ન બનવું જોઈએ.
ઘરના ડેલાએ પરિવારને સધિયારો દેવા આવેલા સ્વજનો
20 ઓક્ટોબરે સગાઈમાં આવ્યો 20 ફેબ્રુઆરીએ બહેનના લગ્ન હતા ચારથી પાંચ હજારની વસતી ધરાવતાં ગામ વિશે માહિતી આપીને ગૌતમે જણાવ્યું કે, અમારા બે ગામનો પહેલો સ્ટુડન્ટ હતો, જેને મેડિકલ ફિલ્ડમાં MBBSમાં એડમિશન મળ્યું હતું, એક મહિનો થયો હશે હોસ્ટેલ ગયા અને આ ઘટના બનતાં આખા ગામમાં શોકનો માહોલ છે. અનિલ હોસ્ટેલ ગયો અને એક અઠવાડિયા પછી 20 ઓક્ટોબરે તેની બહેનની સગાઈ થઈ એટલે તેમાં આવ્યો હતો અને પરત હોસ્ટેલ ગયો હતો. ત્યારબાદ દિવાળી વેકેશનમાં ચાર-પાંચ દિવસ માટે આવ્યો હતો. બહેનના મેરેજ 20 ફેબ્રુઆરીએ રાખવાનું નક્કી કર્યુ હતું.
ઘર આગળ પરિવારને સાંત્વના દેવા આવેલા સ્વજનો