વડોદરા : પ્રયાગરાજમાં આયોજીક કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે આખા દેશમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે. આસ્થાના આ મહાપર્વમાં સ્વાભાવિક છે કે ગુજરાતા યાત્રિકો પણ જઇ રહ્યા છે. પરંતુ રેલવેએ ગુજરાતના યાત્રિકો સાથે ભારે અન્યાય કર્યો છે. તા.૨૬ ફેબુ્રઆરી અમદાવાદ અને ભાવનગરથી પ્રયાગરાજ જનારી ચાર ટ્રેનો કોઇ પણ કારણ વગર રદ્ કરી દેવામાં આવી છે જેના કારણે ગુજરાતના ૩ હજારથી વધુ યાત્રિકો કુંભમેળામાં જઇ નહી શકે બીજી તરફ દિલ્લીથી પ્રયાગરાજ માટે નવી ૫ ટ્રેનોની આજે જાહેરાત કરી છે જે બતાવે છે કે ઉત્તર ભારતના રાજ્યોની સરખામણીમાં ગુજરાત સાથે રેલવે અન્યાય કરી રહ્યું છે.
ભાવનગરથી પ્રયાગરાજ જનારી તા.૨૬ ફેબુ્રઆરીની ટ્રેનમાં એક અમેરિકન ગુજરાતી પરિવારે બુકિંગ કરાવ્યુ હતું. તેઓ તા.૨૫મી ફેબુ્રઆરીએ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચવાના હતા અને તા.૨૬મીએ વડોદરાથી ટ્રેન પકડીને કુંભમાં જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેન રદ્દ કરાતા તેઓને અમેરિકાથી ભારત સુધી પહોંચવાનો ધક્કો થયો છે. ચાર ટ્રેનોમાં આવા ૩ હજાર યાત્રિકો છે જેઓની કુંભમાં જવાની ઇચ્છા પુર્ણ નથી થાય.આ મામલે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના પીઆરઓનું કહેવુ છે કે ટ્રેનના સંચાલનમાં સમસ્યા આવવાના કારણે ટ્રેનો રદ્દ કરાઇ છે. ક્યા પ્રકારની સમસ્યા ઊભી થઇ છે તેવુ પુછતા પીઆરઓનું કહેવું છે કે પ્રયાગરાજ સ્ટેશન ઉપર ટ્રેનોનો ભરાવો થયો છે એટલે ગુજરાતમાંથી ૪ ટ્રેનો રદ્દ કરાઇ છે.
રેલવેનો આ તર્ક ગળે ઉતરે તેમ નથી. જો પ્રયાગરાજ સ્ટેશન પર ટ્રેનોના ભરાવાની સમસ્યા હોય તો દિલ્લીથી પ્રયાગરાજ વચ્ચે આજે નવી પાંચ અનઆરક્ષિત ટ્રેનોની જાહેરાત કેમ કરાઇ ? દિલ્લીથી નવી પાંચ ટ્રેન શરૃ કરવા પાછળનું કારણ એવુ આપવામાં આવ્યુ છે કે યાત્રિકોના ભારે ધસારો છે એટલે વધારાની ટ્રેન શરૃ કરાઇ છે. તો પછી ગુજરાતના યાત્રિકો માટે નવી ટ્રેન શરૃ કરવાના બદલે જે ટ્રેનો હતી તે પણ રદ્દ કેમ કરાઇ તે પણ એક પ્રશ્ન છે ? ગ્રાહક સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે ગુજરાતના ૩ હજાર કરતા વધુ યાત્રાળુઓની ધાર્મિક ભાવના રેલવેના આ કૃત્યથી દુભાઇ છે. આ મામલો ગ્રાહક સેવાનો છે અને યાત્રિકો ધારે તો રેલવે સામે દોવા માંડી શકે છે.