રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. જે આરોપીને દેશભરની પોલીસ શોધી રહી હતી તે આરોપીની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં યુવતી સાથે ગુગલ રીવ્યુના નામે થયેલ રૂપિયા 8.81 લાખની ફ્રોડની તપાસમાં પોલીસે રાજસ્થાનના ચિતોડગઢથી આરોપી
.
રાજકોટમાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય જુના જકાતનાકા પાસે રહેતી મૂળ જામકંડોરણાના મેઘાવડ ગામની વતની કૃપાલીબેન ભગવાનજીભાઈ ભાલારા (ઉ.વ.26)એ વર્ષ 2024માં તેની સાથે સાયબર ફ્રોડ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની પાસેથી રૂપિયા 8.81 લાખની રકમ ફ્રોડથી મેળવે લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું જે ગુનાની તપાસ રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઈ એમ.એ.ઝણકાત સહીત ટીમ કરી રહ્યા હતા દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ અને ટેક્નિકલ સોર્સીસ મદદથી માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ શખ્સ રાજ્સ્થાનના ચિતોડગઢનો રહેવાસી આરોપી ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31) છે જેથી પોલીસે ચિતોડગઢ પહોંચી તેને ઝડપી પાડી તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
ગણપતલાલ ખટીક, આરોપી
પકડાયેલ આરોપી ગણપતલાલની પુછપરછ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પોતે મજૂરી કામ કરે છે અને પોતે બેન્ક એકાઉન્ટ હોલ્ડર છે તેમના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ઠલાવતી હતી. છેલ્લા એક માસમાં રૂ.2.50 કરોડથી વધુના ટ્રાન્જેકસન થયેલ તેમાં રૂ.2.30 કરોડ ફ્રોડની રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં દેશભરમાં થયેલ સાયબર ફ્રોડના ગુનામાં અલગ અલગ 70 જગ્યાએથી ફ્રોડની રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં આરોપી દ્વારા કબૂલાત આપવામાં આવી હતી કે તેના બેન્ક એકાઉન્ટમાં જે ટ્રાન્જેકસન થતું તેમાં એક ટ્રાન્ઝેક્શન દિઠ રૂ.40 હજાર કમિશન પોતે મેળવતો હતો. જયારે મુખ્ય સૂત્રધારને ફ્રોડ મામલે ગુનો નોંધાયાની જાણ થતા આરોપી ગણપતલાલને પોતાનું સીમ કાર્ડ તોડી મોબાઈલ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે મુખ્ય સૂત્રધાર કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે સહિતની દિશામાં પુછપરછ હાથ ધરી પોલીસે હવે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.3.4.2024ના તેમના ફોનમાં અજાણ્યા મો નં. 9691310311 પરથી વોટસએપમાં મેસેજ આવેલ કે, હુ રોશની કિનેશો ઇન્ડીયા પ્રા.લી. કંપનીના પ્રોજેકટ મેનેજર છુ અને ફ્રી લાન્સીંગમાં તમારૂ સીલેકશન થયેલ છે. તમારે કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનુ નથી. તમારે હું કહું તેમ કરવાનુ છે તેમ કહેલ બાદ ગુગલ રીવ્યુના બે ટાસ્ક આપેલ હતા. જે પુરા કરેલ ત્યાર બાદ બન્ને ટાસ્કના રૂ.300 ગુગલ પે માં આપેલ હતા. ત્યારબાદ વોટસએપમાં એક લીંક મોકલેલ હતી. જે ટેલિગ્રામ એપ ઓપન કરતાં તેણી ટેલીગ્રામ એપ્લીકેશનમાં એડ થઇ ગયેલ હતી. જે ગ્રુપ નિયા ગુપ્તા નામનુ હતુ. તેમા એક ટાસ્ક આપેલ હતો, જેમાં રૂ.2000 ભરવા પડશે તે ભરેલ હતા. એપ્લીકેશ વાળાએ તેમને રૂ.2800 પરત આપેલ હતા. ત્યાર બાદ બીજો ટાસ્ક આપેલ જેમા રૂ.9000 ભરવાનુ કહેલ અને જે ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરેલ હતા. ત્યારબાદ રૂ. 9 હજાર પરત લેવા માટે ટેલીગ્રામ વાળાએ રૂ.32 હજાર ગુગલ પે કરવાનું કહેતાં ટ્રાન્સફર કરેલ હતા.
ત્યાર બાદ હવે તમારે બધા પૈસા પરત લેવા માટે રૂ.50 હજાર ભરવાનુ કહેલ જેથી ઓફીસમા કામ કરતા કમલેશભાઇ પટેલના ગુગલ પેથી રૂ.50 હજાર ભરેલ હતા. તા.06.04.2024 ના ફરી ટેલીગ્રામ પરથી મેસેજ આવેલ કે, તમારે રૂપીયા પરત લેવા માટે રૂ.2.30 લાખ ભરવા પડશે તેવો મેસેજ આવેલ હતો. જેથી તેણીએ તા.06.04.2024 ના રૂ.2.30 લાખ ભરેલ હતા. હવે તમારા બધા રૂપીયા ઉપાડી શકશો તેમ જણાવી ટેલીગ્રામની લીંક આપેલ હતી. જેમા તેના કહ્યા મુજબ રૂ.5 હજાર ઉપાડવા માટેની રીક્વેસ્ટ નાખેલ હતી. બાદમાં સામેથી મેસેજ આવેલ કે, તમને બે વખત રૂ.5 હજારની ઉપાડવા માટેની રીક્વેસ્ટ નાખવાનુ જણાવેલ હતુ પરંતુ તમે એક વખત રીક્વેસ્ટ નાખેલ છે. જેથી તમારૂં એકાઉન્ટ ફ્રીજ થઇ ગયેલ છે. જે અનફ્રીજ કરાવવા માટે રૂ.2.80 લાખનું પેમેન્ટ કરવુ પડશે તેમ જણાવેલ હતુ. જે પેમેન્ટ કરાવવા માટે તૈયારી બતાવી જેથી તા.06.04.2024ના રૂ.2.80 લાખ ભરેલ હતા. તેમને ટેલીગ્રામમા મેસેજ કરેલ હતો કે, તમોનુ પેમેન્ટ થઇ ગયેલ છે જેથી તેમણે મને ટેલીગ્રામમા મેસેજ દ્રારા જણાવેલ કે તમારી લીંક એક્સપાયર થઇ ગયેલ છે. તમારે ફરી રૂ.2.80 લાખ ભરવા પડશે તેમ જણાવેલ હતુ. જેથી બીજીવાર તા.06.04.2024ના રૂ.2.80 લાખ ભરેલ હતા. તેમ છતા વધુ રૂપીયાની માંગણી કરતા તેમની સાથે ફ્રોડ થયેલ હોવાનું સામે આવતાં ઓનલાઈન ફરીયાદ નોંધાવ્યા બાદ કુલ રૂ.8.81 લાખના સાયબર ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી.