રાજકોટ જિલ્લામાં આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. 16મીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ 5 નગરપાલિકાના 42 વોર્ડમાં 161 બેઠક માટે 317 મતદાન મથકો
.
મોબાઇલ લઈને મતદાન કેન્દ્રોમાં પ્રવેશ ન કરવા મતદાતાઓને અપીલ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે ત્યારે તેને લઈને EVM મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવેલા છે. ચૂંટણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. 15મીએ ડિસ્પેચિંગની કામગીરી શરૂ થશે ત્યારે EVM મશીન સાથે અલગ-અલગ ચૂંટણી સ્ટાફની ટીમો મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવશે. મતદાતાઓને અપીલ છે કે, તેઓ મોબાઇલ લઈને મતદાન કેન્દ્રોમાં પ્રવેશ ન કરે. મતદાન વખતે તેઓ પોતાનો મોબાઇલ ઘરે મૂકીને આવે અથવા તો પોતે જે વાહન લઈને મતદાન મથકો ઉપર પહોંચ્યા હોય તે વાહનમાં મોબાઇલ રાખીને આવે. જો કોઈ મતદાતાઓ પાસે ચૂંટણી કાર્ડ નથી તો તેઓ આધારકાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ફોટો આઈડી કાર્ડ સાથે મતદાન કરી શકશે.
દરેક મતદાન મથક પર 2 પોલીસ જવાન તૈનાત રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન મથકો ઉપર સ્ટેટ ઇલેક્શન કમિશનના ધારા ધોરણો મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. દરેક મતદાન મથક પર 2 પોલીસ જવાન તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ પોલીસ વાન અલગ અલગ મતદાન કેન્દ્રો ઉપર પેટ્રોલિંગ કરશે. તમામ મતદાન મથકો ઉપર વડીલો અને દિવ્યાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની વાન મારફત તેઓને જરૂર પડીએ ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
5 નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 168 બેઠકો પર 469 ઉમેદવારોએ નામાંકન કર્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, 5 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, તેમાં જસદણ નગરપાલિકામાં 1થી 7 વોર્ડ માટેની 28 બેઠકો પર 64 ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. જેમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં 1થી 11 વોર્ડ માટેની 44 બેઠકો પર 140 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ધોરાજી નગરપાલિકામાં 1થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 110 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ભાયાવદર નગરપાલિકામાં 1થી 6 વોર્ડ માટેની 24 બેઠકો પર 68 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ઉપલેટા નગરપાલિકામાં 1થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 87 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. જેમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 5 નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 168 બેઠકો પર કુલ 469 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અત્યાર સુધીમાં કુલ 7 બેઠકો બિન-હરીફ જાહેર કરાઈ છે.
ઉમેદવાર રૂ.2.5 લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે નગરપાલિકાની ચૂંટણીઓની સાથે તાલુકા પંચાયતની કુલ 6 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ગોંડલની 1 બેઠક, ઉપલેટાની 2 બેઠક, જેતપુરની 1 બેઠક અને જસદણની 2 બેઠક થઈને કુલ 6 બેઠક પર કુલ 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. નગરપાલિકાઓમાં ચૂંટણી ખર્ચની જોગવાઈ મુજબ, જે નગરપાલિકામાં 9 કે તેથી ઓછા વોર્ડ હોય ત્યાં ઉમેદવાર રૂ. 1.5 લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે. જે નગરપાલિકામાં 9 કે તેથી વધુ વોર્ડ હોય ત્યાં ઉમેદવાર રૂ.2.5 લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે છે.
11 નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ વહીવટી તંત્રના 4,110 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે 284 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સર્વીસ વોટર્સ માટે કુલ 173 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણીની વિવિધ કામગીરી માટે કૂલ 11 નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હેલ્પલાઈન તથા ફરીયાદ કરવા માટે 0281- 2471573 નંબર નક્કી કરવામાં આવ્યો છે. તમામ બુથ ઉપર ચૂંટણી ફરજના સ્ટાફ માટે પીવાનું પાણી, બેડીંગ, ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 5 સખી મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ બેઠકોનું મતદાન આગામી તા. 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામા આવશે અને મત ગણતરી તા. 18 ફેબ્રુઆરીના સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પણ તૈયાર કરી દેવાયા નગરપાલિકા તથા તાલુકા પંચાયત માટે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જે મુજબ ધોરાજી નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર નવી ભગતસિંહજી હાઈસ્કૂલ -ધોરાજી રહેશે.જેતપુર- નવાગઢ નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ નેશનલ હાઇવે નવાગઢ જેતપુર રહેશે. ઉપલેટા નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેયિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર ટાવરવાળી તાલુકા શાળા, ઉપલેટા ખાતે રહેશે. ભાયાવદર નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મ્યુનિ. કન્યા વિદ્યાલય ભાયાવદર રહેશે જસદણ નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મોડેલ સ્કુલ, જસદણ રહેશે. જ્યારે ગોડલ તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર તાલુકા સેવા સદન, ગોંડલ રહેશે. જેતપુર તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી જેતપુર જૂનાગઢ રોડ જેતપુર રહેશે. ઉપલેટા તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મામલતદાર કચેરી ઉપલેટા રહેશે. જસદણ તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મોડેલ સ્કુલ જસદણ રહેશે.
5 નગરપાલિકાના 42 વોર્ડમાં 161 બેઠક પર ચૂંટણી
નગરપાલિકા | વૉર્ડ | બેઠક | કુલ મતદાન મથકો | સંવેદનશીલ મતદાન મથકો |
જસદણ | 7 | 26 | 44 | 14 |
જેતપુર | 11 | 44 | 118 | 97 |
ધોરાજી | 9 | 36 | 85 | 54 |
ભાયાવદર | 6 | 24 | 21 | 10 |
ઉપલેટા | 9 | 31 | 49 | 30 |
કુલ | 42 | 161 | 317 | 205 |
4 તાલુકા પંચાયતની 6 બેઠક પર ચૂંટણી
તાલુકા પંચાયત | બેઠકનું નામ | બેઠકની સંખ્યા | કુલ મતદાન મથકો | સંવેદનશીલ મતદાન મથકો |
ઉપલેટા | 4 ડુમિયાણા | 1 | 6 | 6 |
ઉપલેટા | 13 મોટી પાનેલી | 1 | 5 | 2 |
જસદણ | 1 આંબરડી | 1 | 6 | 5 |
જસદણ | 5 ભાડલા | 1 | 5 | 0 |
જેતપુર | 15 પીઠડિયા | 1 | 5 | 3 |
ગોંડલ | 20 સુલતાનપુર | 1 | 6 | 4 |
કુલ | 0 | 6 | 33 | 20 |
નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 2.71 લાખ મતદારો
બેઠક | પુરુષ | સ્ત્રી | અન્ય | કુલ |
જસદણ | 19,391 | 18,449 | 0 | 37,840 |
જેતપુર | 54,124 | 50,431 | 4 | 1,04,559 |
ધોરાજી | 34,888 | 33,466 | 1 | 68,355 |
ભાયાવદર | 7,903 | 7,352 | 0 | 15,255 |
ઉપલેટા | 23,018 | 22,197 | 1 | 45,216 |
કુલ | 1,39,324 | 1,31,895 | 6 | 2,71,225 |
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 34,320 મતદારો
તાલુકા પંચાયત | બેઠકનું નામ | પુરુષ | સ્ત્રી | કુલ |
ઉપલેટા | 4 ડુમિયાણા | 2,218 | 2,031 | 4,249 |
ઉપલેટા | 13 મોટી પાનેલી | 2,715 | 2,522 | 5,237 |
જસદણ | 1 આંબરડી | 3,721 | 3,507 | 7,228 |
જસદણ | 5 ભાડલા | 2,758 | 2,560 | 5,318 |
જેતપુર | 15 પીઠડીયા | 3,013 | 2,709 | 5,722 |
ગોંડલ | 20 સુલતાનપુર | 3,406 | 3,160 | 6,566 |
કુલ | 1,39,324 | 17,831 | 16,489 | 34,320 |