રાજકોટ મનપા કચેરીઓમાં આધારકાર્ડની સેવા ખોરવાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગતી હતી, જેને પગલે અમુક સમયે તો અફરા-તફરીના દૃશ્યો જોવા મળતા હતા.
.
લોકોની ફરિયાદ બાદ મ્યુ. કમિશનરની સ્થળ મુલાકાત પ્રાપ્ત વિગત મુજબ, મનપાના આધારકાર્ડ કેન્દ્રોમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોને લાઈનો લાગતા તેમજ રેશનકાર્ડ ઈકેવાયસી અને અપારકાર્ડ માટે પણ આધાર જરૂરી હોવાથી અરજદારોનો ધસારો પણ વધ્યો હતો. આ કારણે અરજદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે ઉપર સુધી રજૂઆત કરવામાં આવતા મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આધારકાર્ડ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી અને અરજદારો માટે ત્યાં મંડપ, ખુરશી તેમજ પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ કર્યો હતો. જે અંતર્ગત ડે. કમિશનરે આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી આધારકાર્ડ કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે તમામ સુવિધાઓ શરૂ કરી છે.
પહેલા તે પહેલાના ધોરણે ટોકન વિતરણ મનપા સંચાલિત આધારકાર્ડ સેન્ટરનો હવાલો સંભાળતા અધિકારી નરેન્દ્ર આરદેશણાનાં જણાવ્યા અનુસાર, હાલ મનપા તંત્રનાં ત્રણેય ઝોનમાં મળીને કુલ 20 કીટો દ્વારા આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલઝોન કચેરી ખાતે 7 કીટ, ઈસ્ટઝોન કચેરી ખાતે 6 કીટ અને વેસ્ટઝોન કચેરી ખાતે 7 કીટ સહિત 20 કીટ ઉપર ઓપરેટરો સાથે આધારકાર્ડની તમામ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ટોકન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં અરજદારે આધારકાર્ડ કેન્દ્રમાં પહોંચીને પ્રથમ ટોકન લેવાનું રહેશે. ત્રણેય ઝોનમાં એક કીટ દીઠ 40 ટોકન આપવામાં આવે છે.
બેસવા અને પાણી સહિતની વ્યવસ્થા કરાતા અરજદારોને રાહત આ ટોકન આપતા પૂર્વે તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. તેમાં જો કોઈ વસ્તુ ખૂટતી હોય તો તેના અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કોઈપણ અરજદારનો ખોટો સમય બગડે નહીં. ત્યારબાદ તેઓને ટોકન આપી દેવામાં આવે છે, જેથી લાઈનમાં રહેવાની પણ જરૂર રહેતી નથી. અગાઉ અંદરના ભાગે કેટલાક અરજદારોને બેસવાની વ્યવસ્થા હતી. જોકે, હાલ અપાર કાર્ડ તેમજ રાશનકાર્ડ ઇકેવાયસી સહિતની કામગીરીને લઈને લોકોનો ધસારો વધતા બહાર પણ મંડપ ઉપરાંત બેસવા માટે ખુરશી અને પાણી સહિતની સુવિધા કરાઈ છે. જેને લઈને અરજદારો રાહત અનુભવી રહ્યા છે.
દરરોજ પ્રતિકીટ 40 ટોકનનું વિતરણ છેલ્લા થોડા સમયથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે સમયસર કામો થતાં નહીં હોવાની અને કીટ કરતા વધુ અરજદારો આવતા હોવાની કરિયાદો ઉઠી હતી. જેને લઈને મનપા કમિશનરની મુલાકાત બાદ ટોકન સિસ્ટમ શરૂ કરી છે. તેવી જ રીતે ત્રણેય ઝોનલ કચેરી ખાતે તેને ફાળવવામાં આવેલ કીટ કામ કરતી હોવી જોઈએ. તેવો નિયમ પણ અમલમાં મુકી કીટ ખરાબ થાય તો તેના સ્થાને વધારાની કીટ મુકવા માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલમાં ત્રણેય ઝોનલ કચેરી ખાતે 20 કીટથી કામ શરૂ કરાયું છે. પ્રતિકીટ 40 ટોકન આપવામાં આવી રહ્યા છે. એટલે કે દરરોજ 775થી 800 જેટલા લોકોનું આધારકાર્ડને લગતું કામ થઈ રહ્યું છે.
ડિમાન્ડ પ્રમાણે આટલી કીટમાં કામ શકય નથી ઉલ્લેખનીય છે કે, હાલની વ્યવસ્થા મુજબ પ્રતિકીટ રોજ સરેરાશ 40 ટોકન આપવામાં આવશે. સર્વર કે અન્ય કોઇ ટેકનીકલ પ્રશ્ન ન હોય તો 20 કીટમાં આટલુ કામ થઇ શકશે. પરંતુ તેનાથી કામગીરીના સરવાળામાં કોઇ વધારો થવાનો નથી. હકીકતમાં વધુ કીટ અને વધુ કામથી જ વધુ અરજદારોના કામ થઇ શકે છે. જેટલી ડિમાન્ડ છે એટલું કામ આટલી કીટમાં શકય નથી. પોસ્ટ ઓફિસ સહિતની જગ્યા કરતા મનપામાં વધુ લોકો આવે છે. ત્યારે ટોકનથી લાઇન કદાચ ઓછી દેખાશે, પણ જેને આધાર કાર્ડનું કામ છે તેઓએ તો એક નહીં તો બીજા દિવસે ધકકો ખાવો પડશે તે નક્કી છે.