રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા જિલ્લા પંચાયત કચેરીનાં બિલ્ડીંગનું રૂ. 36 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં આખા બિલ્ડીંગને પાડીને નવી આધુનિક ઇમારત બનાવવામાં આવનાર છે. આ માટે ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો
.
16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર આપી દેવાયો હતો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષો જુનું બિલ્ડીંગ તોડીને નવી આધુનિક ઇમારત બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. જિલ્લા પંચાયતના શાસકોએ સરકારી ડિઝાઇનને બદલે સ્વતંત્ર ડિઝાઇન મંજૂર કરાવીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે માટે રૂ. 36 કરોડથી વધુનાં ખર્ચનો અંદાજ મુકાયો હતો. પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારે જ લોકસભાની ચૂંટણી માથે હતી. આચારસંહિતા લાગુ પડી જાય તો પ્રોજેક્ટમાં ત્રણ-ચાર મહિનાનો વિલંબ થવાની શક્યતા હતી. તે નિવારવા માટે શાસકોએ રાત ઉજાગરા કરીને મંજૂર થયેલા ટેન્ડરના કોન્ટ્રાક્ટર પાસે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.
પ્રોજેક્ટ ક્યારે આગળ વધશે તે કહેવું મુશ્કેલ સ્થળાંતરથી માંડીને એક પછી એક અવરોધો સર્જાતા રહ્યા હતા. પરિણામે સમગ્ર કામગીરીમાં ઢીલ થતી રહી છે. પ્રથમ સ્થળાંતર માટે વૈકલ્પિક બિલ્ડીંગ સોંપણીમાં વિલંબ સહિતના વિઘ્નો નડ્યા હતા. જોકે સ્થળાંતરને પણ ત્રણેક મહિના જેવો સમય થઇ ગયો હોવા છતાં કામગીરી આગળ વધી નથી. વર્ક ઓર્ડરની શરત પ્રમાણે કોન્ટ્રાક્ટરે 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. જોકે હાલ 8 મહિના વીતી જવા છતાં પણ ખાતમુહૂર્ત ક્યારે થાય અને પ્રોજેક્ટ ક્યારે આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે.
ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાવવાના પ્રયાસો રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ પ્રોજેક્ટને કારણે વહીવટી વિભાજન થઇ ગયાની છાપ છે અને તેના કારણે અરજદારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા પંચાયતનું વહીવટીતંત્ર જુની કોર્ટ બિલ્ડીંગમાં બેસવા લાગ્યું છે. પણ પદાધિકારીઓ હજુ વર્તમાન જુના બિલ્ડીંગમાં જ બેસે છે. અરજદારોએ બન્ને સ્થળોના ચક્કર કાપવા પડે છે. અનેક કિસ્સામાં અરજદારો ફરિયાદ લઇને આવે ત્યારે સંબંધિત પદાધિકારીઓની ચેમ્બર તૈયાર થઇ જ રહી છે. જેનું કામ જલ્દી પૂર્ણ કરવા પ્રમુખે તાજેતરમાં સુચના પણ આપી છે. તેમજ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
18 મહિનામાં જ કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો- ડેપ્યુટી એન્જિનિયર સમગ્ર મામલે જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર નિરવ પટેલે જણાવ્યું હતું કે, હાલની કચેરીનું સ્થળાંતર કરવા માટે વૈકલ્પિક જગ્યા મેળવવામાં અને ત્યારબાદ સ્થળાંતર કરવામાં ખાસ્સો સમય વીતી ગયો હતો. જેને લઈને કામ થોડું મોડું શરૂ થયું હતું. જોકે જુના બિલ્ડીંગને તોડી પાડવા (ડિસમેન્ટલ) કરવાની કામગીરી હાલ કરાઈ રહી છે. આગામી દસેક દિવસમાં જ આ કામ પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ શાસકો દ્વારા ખાતમુહૂર્ત માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને નિયત સમય મર્યાદા એટલે કે કુલ 18 મહિનામાં જ નવીનીકરણનું આ કામ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ કોઈપણ પ્રકારનો વધારાનો સમય ફાળવવાની કોઈ વાત નથી.
અરજદારોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપ શાસકોએ વિશાળ જગ્યા હોવાની હકીકતને ધ્યાને રાખી સરકારી ડિઝાઇનને બદલે ખાસ આર્કિટેક્ટ રાખી અતિ આધુનિક ડિઝાઇન તૈયાર કરી હતી. વિવિધ પ્રક્રિયા બાદ સુરતની સુરજ કોર્પોરેશનને કામ આપવામાં આવ્યું છે. આ કામ અંતર્ગત હાલ જુના બિલ્ડીંગને ડિસમેન્ટલ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જોકે તમામ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો દાવો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે આવનારો સમય જ બતાવશે.