રાજપીપલાના ઐતિહાસિક રાજવંત પેલેસમાંથી થયેલી રોયલ પિસ્તોલની ચોરીના કેસમાં નર્મદા એલસીબીએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. યુવરાજ માન્વેન્દ્રસિંહની ફરિયાદ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
.
મુખ્ય આરોપી સંજય મધુકર રાજાનેને અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓ – મીત કલ્પેશભાઈ રાવલ, અરબાજ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઇકરામ હુસેન રાઠોડનાં નામ ખૂલ્યાં હતાં.
આરોપીઓએ મહારાજા રઘુવિરસિંહની વૃદ્ધાવસ્થા અને શારીરિક અશક્તતાનો લાભ ઉઠાવીને મહેલમાંથી પિસ્તોલ ઉપરાંત કિંમતી વસ્તુઓ અને મહારાજાની સહી કરેલા કોરા ચેકોની પણ ચોરી કરી હતી. આ ચેકો વટાવીને મળેલા નાણાંમાંથી તેમણે મારુતી સ્વિફ્ટ ડિઝાયર, શેવ્રોલેટ ક્રુઝ અને રોયલ એન્ફિલ્ડ બુલેટ જેવાં વાહનો ખરીદ્યાં હતાં.
પોલીસે કુલ રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચોરાયેલું પિસ્તોલ અને વાહનોનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.