– પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો અને તસ્કરો ઘરમાં ત્રાટક્યા
નડિયાદ : નડિયાદના ચકચારી સિરપકાંડના આરોપી યોગી સિંધી હાલ હાલમાં જેલમાં છે.આરોપીનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને તસ્કરોએ મકાનનું તાળાં તોડીને તિજોરીમાં રાખેલા ૮૦ લાખ રોકડ,૨૨ લાખના સોના-ચાંદીના દાગીના સહિત ૧.૦૨ કરોડની ચોરી કરીને નાસી છૂટયા હતા.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ડોગ સ્કોવર્ડ અને ફિગરપ્રિન્ટની મદદથી તપાસ શરૂ થઇ છે.જોકે, આરોપીના ઘરેથી ૮૦ લાખ રોકડ મળતા તર્કવિતર્ક થઇ રહ્યા છે.
આરોપી યોગી સિંધીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ૨૨ લાખના સોના, ૫૦ હજારના ચાંદીના દાગીના ચોરીને પલાયન
નડિયાદના સિરપકાંડમાં આઠ લોકોનાં મોત થયા હતા. સિરપકાંડના મુખ્ય સુત્રધાર યોગેશ ઉર્ફે યોગી સિંધી કપડવંજ રોડ પર આવેલા એસટી વર્કશોપ સામે પ્રભુકૃપા સોસાયટીમાં સી-૮માં સુનિતાબહેન યોગેશ ઉર્ફે યોગી સિંધી (ઉ.વ. ૪૨) સાથે રહે છે. તેમના પતિ યોગી સિંધી છેલ્લા દોઢ વર્ષથી જેલમાં છે. સુનિતાબહેન પોતાના બે સંતાનો સાથે પ્રભુકૃપા સોસાયટી સી-૮માં રહે છે જેમાં ઉપરના માળે તેમના જેઠ પણ રહે છે.
સુનિતા બહેનના માસીના દીકરાના દિકરીના લગ્ન હોવાથી પરિવાર સાથે ગયા હતા. મોડી રાત્રે સુનીતાબહેન પરિવાર સાથે પરત આવતા ઘરનું મખ્ય જાળીની દરવાજાનું તાળું તૂટેલું હતું. જેને લઇ મકાનમાં તપાસ કરતા સરસામાન વેરવિખેર પડયો હતો. તિજોરી, પેટી પલંગમાં મૂકેલો સામાન વેરવિખર હતો.
બેડરૂમમાં રહેલી તિજોરી અને પેટી પલંગમાંથી ૨૨.૧૪ લાખના સોનાના અને ૫૦ હજારનાચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૮૦ લાખ સહિત કુલ ૧.૦૨ કરોડની મતા ચોરી થઇ હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.