સુરતના સરથાણા પોલીસ દ્વારા ટ્રાફિકના ગોડાઉન પર RTO દંડની નકલી રસીદ બતાવી વાહનો છોડાવવાના રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક રીક્ષાચાલકની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સુનિલ પંડિત હજુ ફરાર છે.
.
ટ્રાફિક પોલીસના રજીસ્ટરમાંથી મળેલી વિગતો પરથી આરોપી ઝડપાયો ટ્રાફિક પોલીસે જ્યારે એક રીક્ષા ડિટેઇન કરી હતી ત્યારે રજીસ્ટરમાં ચાલકનું નામ અને મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો હતો. જ્યારે નકલી રસીદનો મામલો સામે આવ્યો, પોલીસે રજીસ્ટરમાં આપેલ વિગતોના આધારે આરોપીને ઝડપી પાડયો.
મુખ્ય સુત્રધાર હજુ સુધી પોલીસની પકડથી દૂર પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સુરત RTO દંડની ડુપ્લીકેટ રસીદ કાપોદ્રા વિસ્તારનો રીક્ષાચાલક સુનિલ પંડિત બનાવતો હતો. આરોપ છે કે સુનિલ પંડિત વાહનચાલકો પાસેથી 6,000 થી 10,000 રૂપિયા લેતો હતો અને નકલી દંડ ભરેલી રસીદ આપી તેમને ડિટેઇન થયેલું વાહન છોડાવી આપતો હતો.સુનિલ પંડિત હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે.
આરોપી રિક્ષાચાલક ક્રિષ્ના મેઘસીંગ કુશ્વાહની ધરપકડ પોલીસે કાપોદ્રામાં રહેતા રીક્ષાચાલક ક્રિષ્ના મેઘસીંગ કુશ્વાહ (ઉ.વ. 21) ની ધરપકડ કરી છે.નવેમ્બર 2024માં, તે પોતાના બનેવીની રીક્ષા ભાડેથી ચલાવતો હતો અને લાઇસન્સ વિના રીક્ષા ચલાવતા પકડાયો હતો.ટ્રાફિક પોલીસે રીક્ષા ડિટેઇન કરી સરથાણા ગોડાઉનમાં મુકી દીધી હતી.વાહન છોડાવવા માટે ક્રિષ્નાએ સુનિલ પંડિત પાસે 6,000માં નકલી દંડ ભરેલી રસીદ બનાવડાવી હતી.રિષ્નાએ 1,500 રૂપિયા આગલા ચુકવ્યા અને બાકીના 4,500 રૂપિયા રીક્ષા છોડાયા પછી આપવાનો વાયદો કર્યો હતો.
ટ્રાફિકના ગોડાઉન બહાર નકલી રસીદ આપતા પોલીસને શંકા ગઈ ક્રિષ્ના કુશ્વાહ જ્યારે ગોડાઉન પર ગયો, ત્યારે સુનિલ પંડિતે તેને નકલી રસીદ આપી. ક્રિષ્નાએ આ રસીદ ટ્રાફિક પોલીસને બતાવી વાહન છોડાવવાનો પ્રયાસ કર્યો.પોલીસે શંકા આવતાં ક્યુઆર કોડ સ્કેન કર્યો તો કોઈ ડેટા દેખાયો નહીં, જેનાથી રસીદ નકલી હોવાનું ઝડપાઈ ગયું.પોલીસે પૂછપરછ કરતા ક્રિષ્નાએ કબૂલ કર્યું કે રસીદ સુનિલ પંડિતે આપી છે અને તે ગોડાઉનની બહાર ઊભો છે.જેમ જ પોલીસને તેની હાજરી માટે બોલાવવાનું કહ્યું, ત્યારે સુનિલ પંડિત અને ક્રિષ્ના ત્યાંથી ફરાર થઈ ગયા.
વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા સુરત પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુનિલ પંડિતને પકડવા માટે તપાસ ચાલી રહી છે.આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે જાણવા માટે પોલીસે ક્રિષ્નાને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધો છે.આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની પણ શંકા છે, અને તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે.