Rush Car Driving in Ahmedabad: અમદાવાદમાં વધુ એક નબીરાનું ધોળા દિવસે મોટું કારસ્તાન સામે આવ્યું છે. અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લાલ કલરની થારના ચાલકે બેફામ ગાડી ચલાવી હતી. જે દરમિયાન પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે કેટલાક રાહદારીઓ, રિક્ષા અને અન્ય વાહનચાલકોને પણ નબીરાએ અડફેટે લીધા હતા. આ કારચાલકના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, GJ 27 DM 9988 નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો હતો. પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઊભી રાખી હતી અને સિગ્નલ તોડ્યું હતું. જે બાબતે કારચાલક અને પોલીસકર્મી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પોલીસકર્મીએ તેને રોક્યો તો તેના પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસકર્મીનો બચાવ થયો હતો, પરંતુ રાહદારીઓ અને વાહનચાલકો અડફેટે આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.