રાજકોટમાં એક મહિના પહેલા માસૂમ બાળકના મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. સગ્ગી માતાએ પોતાનાં 2 વર્ષના માસૂમ બાળકને કૂવામાં ફેંકી હત્યા નિપજાવી હોવાનો ખૂલાસો થતા ફિટકાર વરસી રહયો છે. કુવાડવા પાસે બેટી રામપરા ગામના પાટીયા પાસે વાડીના કૂવામાંથી આશરે 2 વર્ષના
.
મૃતક બાળક
રાજકોટ તાલુકાના કુવાડવા પાસે બેટી રામપરા ગામના પાટીયા પાસે વાડીના કૂવામાંથી આશરે 2 વર્ષના બાળકનો મૃતદેહ ગત 23 મી ફેબ્રુઆરીના રોજ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આશરે બે કે ત્રણ દિવસ પહેલા બાળકનું મોત થયાનું જે તે વખતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમને આધારે અનુમાન લગાવાયુ હતું. પોલીસે આ મૃતક બાળકની ઓળખ મેળવવા અને ભેદ ઉકેલવા પોસ્ટર છપાવવા સાથે સોશિયલ મિડીયા, અખબારોમાં તસ્વીરો સાથે વિગત પ્રકાશીત કરાવી હતી પરંતુ ભેદ ખુલ્યો નહોતો. જોકે હવે આ ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો છે.
થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના 80 ફુટ રોડ ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલા નામની 27 વર્ષની મહિલાનો આ દિકરો રાયધન (ઉ.વ.2) હતો. આ માસુમને ખુદ જનેતા ભાવુએ જ કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિને શંકા હતી કે આ બાળક પોતાનું નથી પરંતુ ભાવુના પ્રેમી થકી જન્મ્યું છે. આથી તે બાળકને પ્રેમીને આપી આવે છે તેમ કહી નીકળ્યા બાદ કુવામાં ફેંકી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેટી રામપરાના પાટીયા નજીક ભારત બેન્જ કંપનીના શો રૂમ સામે ગત તા. 23 ફેબ્રુઆરી, 2025ના જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108ની ટીમ અને એરપોર્ટ પોલીસની ટીમોએ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ બહાર કાઢીને જોતાં આશરે આશરે અઢીથી ત્રણ વર્ષની ઉમર જણાઇ આવી હતી. તેમજ મૃત્યુ આશરે 2 દિવસ પહેલા થયાનો અંદાજ મૃતદેહને જોતાં લગાવાયો હતો.
જેથી એરપોર્ટ પોલિસે તપાસ શરૂ કરી હતી પરંતુ બાળક કોણ છે? તેની ઓળખ થઇ નહોતી. દરમિયાન આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલ્યો છે. બાળકની ઓળખ થવાની સાથે સાથે તેની હત્યા તેની જ સગી માતાએ કર્યાનું ખુલતાં હવે આગળની તપાસ એરપોર્ટ પોલીસ કરી રહી છે.
ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલાને લઇને તેણીના માવતર પક્ષના લોકો થોરાળા પોલીસ સ્ટેશને આવ્યા હતાં. પીઆઇ એન. જી. વાઘેલાને મળી તેમણે કહ્યું હતું કે-ભાવુના પતિ રણછોડે તેમના દિકરા રાયધન (ઉ.વ.2)ની હત્યા કરી મૃતદેહ ક્યાંક ફેંકી દીધો છે. આ સાંભળી પીઆઇએ તુરત જ પોતાની ટીમ સાથે મળી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રણછોડ કિહલાને ઉઠાવી લીધો હતો અને બાળક કયાં છે? તેની પૂછપરછ કરતાં પોતે કંઇ જાણતો નથી તેવુ કહેતાં આકરી પુછતાછ કરવામા આવી હતી બાદમા તેણે કહ્યું હતું કે બાળક મારા થકી નથી જન્મ્યું એવી મને શંકા હોવાથી મારે પત્નિ ભાવુ સાથે માથાકુટ થઇ હતી. આથી ભાવુએ પોતે આ બાળક પોતાના પ્રેમી થાન પંથકના ગભરૂ ભરવાડને આપી આવે છે તેમ કહી 21 ફેબ્રુઆરી કે આસપાસના દિવસે ઘરેથી બાળકને લઇને નીકળી હતી અને પરત આવી ગઇ હતી. તેમજ તેણીએ પોતે પ્રેમીને બાળક આપી આવે છે તેવું કહેતાં પોતે સાચુ માની લીધું હતું.
રણછોડની આ વાત સાંભળી પોલીસને ભાવુ ઉપર જ શંકા ઉપજતાં મહિલા પોલીસની મદદથી તપાસ આગળ શરૂ રાખી હતી. જે રીતે પુછપરછ શરૂ થઇ હતી તે જોતાં જ ભાવુ પરિસ્થિતિ પામી ગઇ હતી અને સાચી હકીકત જણાવી હતી કે પોતે દિકરા રાયધનને પ્રેમીને નથી આપી આવી પરંતુ કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. ભાવુ સહિતને સાથે રાખી થોરાળા પોલીસ રામપર બેટી નજીક કુવા પાસે પહોંચી હતી. આ કુવામાંથી જ એક બાળકની લાશ ત. 23 ફેબ્રુઆરીના રોજ મળી હોઇ અને એરપોર્ટ પોલીસ તેની તપાસ કરી રહી હોઇ ત્યાંની પોલીસને બોલાવતાં અને બાળકના મૃતદેહના ફોટા બતાવાતાં ભાવુ અને રણછોડ સહિતનાએ આ ફોટા રાયધનના જ હોવાનું ઓળખી બતાવ્યું હતું.
પોલીસની વિશેષ તપાસમાં ખુલ્યું હતું કે, ચોટીલાના થાન પંથકમાં ખાખળાથર માવતર ધરાવતી ભાવુના લગ્ન 4 વર્ષ પહેલા રાજકોટના ભારતનગરના છકડો રિક્ષાચાલક રણછોડ કીહલા સાથે થયા હતાં. આ દરમિયાન ભાવુએ એક દિકરા રાયધનને જન્મ આપ્યો હતો જે 2 વર્ષનો હતો. જો કે દિકરાના જન્મ પછી પતિ રણછોડને સતત એવી શંકા હતી કે આ બાળક તેનુ નથી પણ પત્નિ ભાવુના પ્રેમી એવા મુળીના પલાસા-પડાસાના ગભરૂ ભરવાડનું છે. આથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતાં. આથી કંટાળીને ભાવુએ પોતે આ બાળક પ્રેમીને આપી આવે છે કહી ઘરેથી નીકળી હતી અને દિકરા રાયધનને પ્રેમીને આપી આવી છે તેમ કહી પરત આવી ગઇ હતી. પણ હકિકતે તે દિકરાને રામપર બેટીના કુવામાં નાંખીને આવી ગઇ હતી.
આ હત્યામાં ભાવના ઉર્ફ ભાવુ સાથે તેના પ્રેમી કે બીજા કોઇની સંડોવણી છે કે કેમ? તેની વિશેષ તપાસ પીઆઇ આઇ. એન. સાવલીયા અને પીએસઆઇ જાડેજા, સહિતનાએ હાથ ધરી છે. ભાવુએ પોતાના ખોફનાક કાવત્રાને છુપાવવા પતિએ જ દિકરાને મારીને મૃતદેહનો નિકાલ કરી દીધાની થોરાળા પોલીસ સમક્ષ સ્ટોરી રજૂ કરી હતી પરંતુ પોતાની આ કહાનીમાં પોતે જ ફસાઇ ગઇ હતી અને ભેદ ઉકેલાયો હતો. આ બનાવે ખળભળાટ મચાવી દીધો છે. અગાઉ આકિસ્મક મૃત્યુની નોંધ કરનાર એરપોર્ટ પોલીસ હવે હત્યાનો ગુનો નોંધી હત્યામાં બીજુ કોઇ સામેલ છે કે કેમ? તેની તપાસ કરશે. બાળક ખરેખર કોનું પતિનું કે પ્રેમીનું? તેની પણ તપાસ થશે.