– સીટી સર્વે કચેરીના અધિકારી-કર્મચારી, સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો : સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નથી : મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો નથી : મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી
– જમીન માલિકની સર્વે નં.823 વાળી જમીન નવી શરતની હોવા છતાં સરકારમાં જરૂરી પ્રિમીયમની રકમ ભરી ન હોય સરકાર સાથે પણ કરોડોની છેતરપિંડી કરી છે : ડુમસ અને વાટાની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ બ્રોકર ઘોડદોડ રોડના જમીન માલિક પાસે આવતા તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા
સુરત, : સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ખેડૂતની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.એક બ્રોકર તેમની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા.આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.402 માં રહેતા 47 વર્ષીય આઝાદભાઈ ચતુરભાઈ રામોલીયા હાંસોટ ખાતે ઈગનશ પ્રા.લી નામની કંપની ધરાવે છે.સાથે ખેતીકામ પણ કરે છે.સુરતના ડુમસના બ્લોક નં.815, 801/2, 803, 804, 823, 787/2 અને વાટાના બ્લોક નં.61 વાળી જમીન અઝાદભાઈએ મગદલ્લાના ખેડૂત રસીકભાઈ લલ્લુભાઈ પાસેથી 28 ઓક્ટોબર 2016 થી 15 જુલાઈ 2017 દરમિયાન ખરીદી હતી.હાલ તમામ જમીનો તેમના અને તેમની પત્ની જ્યોત્સનાબેનના નામે છે.માર્ચ 2022 માં બ્રોકર જીગ્નેશભાઈ બ્લોક નં.803 નું પ્રોપર્ટીકાર્ડ લઈ તેમની પાસે આવ્યા હતા અને જમીન વેચવાની છે તેમ કહેતા તે ચોંક્યા હતા.પોતાની માલિકીની જમીનનો પ્રોપર્ટીકાર્ડ હોય તે અંગે અઝાદભાઈએ રેવન્યુ રેકર્ડની ઓનલાઈન વેબસાઈટ ઉપર ચેક કર્યું તો તેમના તમામ સર્વે નંબરની જમીનમાં અલગ અલગ વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટીકાર્ડ બનેલા હતા.
આથી તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં જુદાજુદા સ્તરે લેખિત અરજી કરી રજુઆત કરી હતી.જોકે, તેમને ક્યાંય ન્યાય મળ્યો નહોતો.આથી તેમણે 24 જૂન 2024 ના રોજ સીઆઈડી ક્રાઈમમાં અરજી કરતા ત્યાંથી તપાસ કરતા ખુલાસો થયો હતો કે અઝાદભાઈ કે તેમના પરિવારજનોએ ક્યારેય પ્રોપર્ટીકાર્ડ મેળવવા અરજી કરી નહોતી છતાં તેમની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટીકાર્ડ બન્યા છે.તે બનાવવા માટે જરૂરી પ્રક્રિયા નહીં કરી સુરત સીટી સર્વે સુપ્રિટેન્ટન્ડની કચેરીના અધિકારીઓએ તે બનાવ્યા હતા.એટલું જ નહીં તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવી સાયલન્ટ ઝોન નામની પ્લોટીંગ સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી નહોતી.છતાં તેના બેન્ક એકાઉન્ટમાં પ્લોટોના વેચાણના પૈસા જમા થયા હતા.
આઝાદભાઈની સર્વે નં.823 વાળી જમીન નવી શરતની હોવા છતાં તેનું સરકારમાં જરૂરી પ્રિમીયમ નહીં ભરી સરકાર સાથે પણ છેતરપિંડી કરનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ પ્રોપર્ટીકાર્ડમાં જે જુદાજુદા હુકમો દર્શાવ્યા હતા તે પણ જે તે કચેરીના નહોતા.ઉપરાંત, સુરત મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો નહોતો.આ તમામ હકીકતોના આધારે સીઆઈડી ક્રાઈમ, સુરત ઝોને ગતરોજ સુરત સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના તત્કાલીન અધિકારી કાનાલાલ પોસ્લાભાઈ ગામીત, અનંત ડાહ્યાભાઈ પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, સમૃદ્ધિ કોર્પોરેશનના તમામ ભાગીદારો અને તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો અંગેનો ગુનો નોંધ્યો હતો,વધુ તપાસ ડીટેક્ટીવ પીઆઈ પી.બી.સંઘાણી કરી રહ્યા છે.
છ મહિનાની તપાસ બાદ અરજીના આધારે ગુનો નોંધ્યો પણ
CID ક્રાઈમની FIRમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ ગાયબ
અરજીમાં નરેશ શાહ, મીના નરેશ શાહ, મનહર કાકડીયા, લોકનાથ ગંભીર, જયપ્રકાશ આસવાની, સીટી સર્વેયર કાનાલાલ ગામીતનો ઉલ્લેખ હતો
સુરત, : ખેડૂત અઝાદભાઈ રામોલીયાએ કોઈ સ્થળેથી ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં ગત 24 જૂન 2024 ના રોજ અરજી કરી હતી.અરજીમાં તેમણે આરોપીઓ તરીકે સમૃદ્ધિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો નરેશ નેમચંદ શાહ, તેમના પત્ની મીનાબેન ( બંને રહે.અભિષેક બંગલો, અશ્વિન મહેતા પાર્ક પાછળ, અઠવાલાઈન્સ, સુરત ), મનહરભાઈ મુળજીભાઈ કાકડીયા ( રહે.6, સીટીલાઈટ સોસાયટી, ઉમરા, સુરત ), લોકનાથભાઈ લોરેન્દામલ ગંભીર, જયપ્રકાશ ખાનચંદ આસવાની ઉપરાંત સમૃદ્ધિ કોર્પોરેશનમાં નોકરી કરતા હિતેશકુમાર મહાસુખલાલ દેસાઈ અને સીટી સર્વેયર ઓફિસર કાનાલાલ ગામીતનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે, સીઆઈડી ક્રાઈમે છ મહિનાની તપાસ બાદ અરજીના આધારે ગુનો નોંધ્યો તેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ ગાયબ છે.
સાયલન્ટ ઝોનની સ્કીમ ગેરકાયદેસર
ડુમસ, વાટા અને ગવીયર ગામના અન્ય ખેડૂતોની જમીનોમાં પણ 351 જેટલા બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા છે
સુરત, : સીઆઈડી ક્રાઈમની તપાસમાં મળેલા પુરાવાઓના આધારે જાણવા મળ્યું હતું કે સમૃદ્ધિ કોર્પોરેશને મુકેલી સાયલન્ટ ઝોનની સ્કીમ ગેરકાયદેસર છે.સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ સરકારી અધિકારીઓ સાથે મળી આઝાદભાઈની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટીકાર્ડ તો બનાવ્યા છે.પણ તેમણે ડુમસ, વાટા અને ગવીયર ગામના અન્ય ખેડૂતોની જમીનોમાં પણ 351 જેટલા બોગસ પ્રોપર્ટીકાર્ડ પણ બનાવ્યા છે.
સુરત પોલીસ અને ઈકો સેલમાં અરજી કરી હતી પણ કોઈ કાર્યવાહી કરી નહોતી
ક્રાઈમ બ્રાન્ચે 2023 માં સમૃદ્ધિ કોર્પોરેશનના વૃદ્ધ ભાગીદારની ફરિયાદના આધારે આઝાદભાઈ અને પરિવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો
સુરત, : બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાની જાણ થતા આઝાદભાઈ રામોલીયાએ માર્ચ 2023 માં સુરતના પોલીસ કમિશનર અને 23 જુલાઈ 2023 ના રોજ ઈકો સેલમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી.જોકે, સ્થાનિક પોલીસે તેમાં કોઈ કાર્યવાહી કરી નહોતી અને 2 ઓગષ્ટ 2023 ના રોજ તેમની અરજી દફ્તરે કરી દીધી હતી.પણ તે જ દિવસે ઈકો સેલે સમૃદ્ધિ કોર્પોરેશનના વૃદ્ધ ભાગીદાર રસીકભાઈ લલ્લુભાઈ પટેલની ફરિયાદના આધારે આઝાદભાઈ અને તેમના પરિવારે ડુમસ, ગવિયર અને વાંટા ગામની નવ જમીનના દસ્તાવેજો કરાવી લીધા હોવાનો ગુનો નોંધ્યો હતો.