અમદાવાદ, શનિવાર
શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર શીલજ સર્કલ નજીક રાતના સમયે બાઇક પર આવેલા કેટલાંક લોકોએ ત્રણ યુવકો પૈકી એક યુવકને છરી મારીને રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. આ કેેસમાં સરખેજ પોલીસ સ્ટેશનના સર્વલન્સ પીએસઆઇ વી એચ શર્મા અને તેમના સ્ટાફે ટેકનીકલ સર્વલન્સ અને હ્યુમન સોર્સથી હર્ષ શર્મા, પ્રહલાદ વર્મા, સુનિલ મીણા અને આશિષ બુનકર નામના યુવકોને ઝડપીને તેમની પાસેથી ૨૧ મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ મુંળ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે અને અમદાવાદમાં મોલ અને કીચનમાં નોકરી કરે છે. તમામ એક જિલ્લાના હોવાથી સંપર્કમાં હતા અને તેમણે સાથે મળીને રાતના સમયે એક વ્યક્તિને માર મારીને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી.ત્યારબાદ તેમણે નાણાં જરૂર પડે ત્યારે મોજશોખ માટે લૂંટ કરવાનું શરૂ કર્યું હતુ. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ રાતના સમયે એસ પી રીંગ રોડ, એસ જી હાઇવે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં એકલ દોકલ લોકોને મારીને લૂંટ કરતા હતા. પોલીસે આ સાથે સાત ગુનાના ભેદ ઉકેલ્યા હતા.