મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી
.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમા માવઠાંની અસર જોવા મળી શકે છે. જેમાં મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે. તેમના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.
જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનું આગમન
જામનગર એરપોર્ટ વધુ એક વખત બોલિવૂડમય બન્યું હતું. સલમાન ખાન, સોહેલ ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝાના આવી પહોંચ્યા હતા. સલમાન ખાન પોતાના પરિવાર સાથે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે એનસીપીના તાજેતરમાં હત્યા થઈ એ બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો.
અમદાવાદમાં આજથી શરૂ થશે સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલ
અમદાવાદ ખાતે 22મા વિસરાતી વાનગીઓના સાત્ત્વિક મહોત્સવનું આજથી 31 ડિસેમ્બર દરમિયાન, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે 11થી રાતે 9 વાગ્યા સુધી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે. આ વર્ષે સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલની વિશિષ્ટતા એ છે કે, દરેક સ્ટોલમાં બે વાનગીઓ મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ હશે. તમામ સાત્ત્વિક અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ આવનાર લોકો માણી શકાશે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકો સુધી પહોંચાડીને ફરી એકવાર પ્રચલિત બનાવવાનો છે.
વાપી GIDCમાં ભીષણ આગ
વાપી GIDCના ફસ્ટ ફેસમાં આવેલા બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં ભીષણ આગ લાગી હતી. જેથી આજુબાજુના વિસ્તારમાં ભાગદોડ મચી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 5થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડતી થઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
CA ફાઇનલનું પરિણામ, ટોપ 50માં 4 ગુજરાતી
દેશમાં સીએ ફાઈનલનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ટોપ 50માં ગુજરાતના ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. એમાં અમદાવાદની રિયા શાહે ઓલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવ્યો છે, જ્યારે વડોદરાના નૈષદ વૈદ્યએ ઓલ ઇન્ડિયા નવમો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત સુરતના કૃષ્ણા રાઉતે ઓલ ઇન્ડિયા 36મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત વડોદરાની પ્રિયંકા શાહે ઓલ ઇન્ડિયા 47મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સ્ટમક કેન્સરથી પરીક્ષાના બે મહિના પહેલાં પિતાને ગુમાવનાર અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરનાર પ્રશાંત શેટ્ટીએ પણ સીએ ફાઈનલની પરીક્ષા ફર્સ્ટ અટેમ્પ્ટમાં પાસ કરી છે.
યુવકે બ્રિજ પરથી મહીસાગરમાં છલાંગ લગાવી
ખંભાતના જીણજ ગામના એક યુવકે ઘરકંકાસથી કંટાળીને આજરોજ વાસદ સ્થિત મહીસાગર નદીના બ્રિજ પરથી છલાંગ લાગવી દીધી હતી. જે તે વખતે ત્યાં હાજર એક શખ્સે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જે વાયરલ થયો છે. બીજી બાજુ વાસદ પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી ફાયરબ્રિગેડની મદદ લઈ આ યુવકને જીવતો બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે.
બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા
વલસાડના વાપીમાં વાસનાંઘ શખસે બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. બે દિવસ પહેલાં આ બાળકનું અપહરણ થયું હતું. આ અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પોલીસે ગુરૂવારે મળેલી બાળકની લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા કરાયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીને દબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.